(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ વિસ્તારમાં સ્થપાશે નવી ઔદ્યોગિક વસાહત, રાજ્ય સરકારે ૨.૪૫ લાખ ચો.મી. જમીન ફાળવી
સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાહેર કરાયેલી નવી ઔદ્યોગિક નીતિ અને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર ધી આસિસ્ટન્સ ટુ ધી ઇન્ડસ્ટ્રીઝના પરિણામે ગુજરાતમાં ઉદ્યોગ રોકાણકારોને અનેક પ્રોત્સાહન આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે બનાસકાંઠામાં ડીસા તાલુકાના મુડેઠા ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને નવી ઔદ્યોગિક વસાહતની સ્થાપના માટે ૨,૪૫,૦૦૦ ચો.મી. જમીન ફાળવવા અંગેની મંજૂરી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને મેન્યુફેક્ચરીંગ હબ અને ઓટો હબ સહિત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ દ્વારા દેશ-વિદેશના ઔદ્યોગિક રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરવા વાયબ્રન્ટ સમિટની સફળ શૃંખલા શરૂ કરાવેલી છે.
વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાના પગલે રાજ્યમાં એફડીઆઈ તેમજ એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રીઝનો વ્યાપ વધી રહ્યો છે. ગુજરાત વિશ્વભરના રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ બન્યું છે. સાથોસાથ ક્લસ્ટર બેઝ્ડ ઔદ્યોગિક વસાહતો, SIR, MSME પાર્ક, વુમન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, મલ્ટીલેવલ પ્લગ એન્ડ પ્લે શેડ્સ તથા કન્ટ્રી સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપની સ્થાપના અંતર્ગત બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં વિવિધ ઔદ્યોગિક વસાહતો અને ઇંડસ્ટ્રિયલ પાર્ક્સમા ઉપલબ્ધ છે.
રાજ્યમાં બ્લક ડ્રગ પાર્ક, ટેક્સટાઈલ પાર્ક, મેડિકલ ડિવાઈસ પાર્ક, એગ્રો-ફુડ પાર્ક, સી-ફુડ પાર્ક, સીરામીક પાર્ક, ટ્રાયબલ પાર્ક સહિત સેક્ટર સ્પેસિફિક ઔદ્યોગિક એકમો વિકસિત થઈ રહ્યાં છે. આથી સેક્ટર સ્પેસિફિક મૂડીરોકાણને પણ વેગ મળ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાહેર કરાયેલી નવી ઔદ્યોગિક નીતિ અને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર ધી આસિસ્ટન્સ ટુ ધી ઇન્ડસ્ટ્રીઝના પરિણામે ગુજરાતમાં ઉદ્યોગ રોકાણકારોને અનેક પ્રોત્સાહન આપવામાં આવે છે.
આ નીતિઓ અંતર્ગત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા માટે રાજ્ય સરકારે ઓનલાઈન સિંગલ વિન્ડો સિસ્ટમ અને ફેસલેસ એપ્લિકેશન ફેસિલિટી વિકસાવી છે. વિવિધ પ્રકારની મંજૂરીઓ ઓનલાઈન મેળવી શકાય તે માટે એક જ પોર્ટલ મારફતે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા માટે ઉદ્યોગકારો-ઉદ્યોગ સાહસિકોને મદદ રૂપ થવા નોડલ એજન્સી તરીકે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ૧૯૬૨થી કાર્યરત છે. જીઆઈડીસી પાસે ૪૧,૦૦૦ હેક્ટરથી વધુ જમીનમાં ૨૩૯ વિકસિત કરાયેલી ઔદ્યોગિક વસાહતો છે. ૭૦ હજારથી વધુ પ્લોટ્સ અને ૫૦૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમોનું સુવ્યવસ્થિત માળખુ છે. આ માળખા દ્વારા ૨૫ લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુડેઠા ખાતે નવી ઔદ્યોગિક વસાહત શરૂ કરવાની આપેલી મંજૂરી ને પરિણામે બનાસકાંઠા જિલ્લાના દૂરદરાજના વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને આ સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે.