Amreli: સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દીપડાનો આતંક યથાવત, અમરેલીમાં દીપડાના હુમલામાં બાળકનું મોત
Amreli: અમરેલી જિલ્લાના તરકતળાવ ગામમાં દીપડાના હુમલામાં એક સાત વર્ષીય બાળકનું મોત થયુ હતું
Amreli: સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દીપડાનો આતંક યથાવત છે. મળતી જાણકારી અનુસાર, અમરેલી જિલ્લાના તરકતળાવ ગામમાં દીપડાના હુમલામાં એક સાત વર્ષીય બાળકનું મોત થયુ હતું. મૃતક બાળકનો પરિવાર ખેતરમાં મજૂરી કરે છે. દીપડાએ બાળક પર હુમલો કરતા પરિવારજનો દોડી આવ્યા અને બૂમાબૂમ કરી હતી. લોકો એકઠા થઇ જતા દીપડો ભાગી ગયો હતો પરંતુ પરિવારજનો બાળકને બચાવી શક્યા નહોતા. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને દીપડાને પકડવા કામગીરી શરૂ કરી હતી.
વનવિભાગની ટીમે મોડી રાતે પાંજરા ગોઠવી દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરી હતી. અમરેલી તાલુકામા મોડી સાંજે દીપડાએ હુમલો કરતા બાળકનું મોતની ઘટનાથી દહેશતનો માહોલ ઉભો થયો હતો. અમરેલી તાલુકાના તરક તળાવ ગામ નજીક રમણીકભાઈ પોપટભાઈ દેવાણીની વાડી વિસ્તારમાં દીપડાએ સાત વર્ષના બાળક અમિત જંગલાભાઈ માંડલીયાનું ગળું પકડી ઢસડ્યો હતો. દીપડાને જોઇ પરિવારજનો દોડી આવ્યા હતા જેથી દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. બાળકનું પરિવારજનોની નજર સામે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ દોડી આવી મૃતક પરિવારના નિવેદનો લીધા હતા અને અલગ અલગ પાંજરાઓ ગોઠવી દીપડાને પકડવાની કવાયત હાથ ધરાઇ હતી. મૃતક મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો
અમરેલી એસીએફ મુનાફ શેખે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશથી ખેતીનુ કામ કરતા પરિવારના સાત વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો બાળકને પકડીને લઇ જતા તેના માતા પિતા તેની પાછળ દોડ્યા હતા. દીપડાએ 50 મીટર સુધી બાળકને ઢસડ્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો.
તાજેતરમાં રાજકોટ શહેર નજીક દીપડાના સતત આંટાફેરા વધી રહ્યા છે. દીપડાના હુમલામાં બાળકનું મોતથી અમરેલી પંથકમાં દહેશતનો માહોલ છે. અમરેલી જિલ્લામાં સિંહોની સાથે દીપડાની સંખ્યા પણ વધી છે અનેક ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓ સતત આંટાફેરા કરી રહ્યા છે.
રાજકોટમાં પણ દીપડાના આંટાફેરા યથાવત છે. રાજકોટ ફોરેસ્ટ વિભાગ દ્વારા 6 જેટલી ટીમો દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફોરેસ્ટની એક ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું છે. ગઈકાલે રૈયાધાર દીપડો દેખાયાની લોકોમાં ચર્ચાઓ હતી. જોકે ફોરેસ્ટ વિભાગ હજુ સુધી દીપડો નજરે જોયો નથી. ફૂટ પ્રિન્ટ થી 3 થી 4 વર્ષનો દીપડો હોવાનું અનુમાન છે. બાયો સાયન્સ વિભાગના બગીચામાં તાળું મારવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને પણ આ વિસ્તારમાં ન જોવા માટે સૂચના આપવામાં આવી છે.