કેજરીવાલ અને CM ભગવંત માનની હાજરીમાં મોડાસામાં 'AAP'ની મહાપંચાયત, ખેડૂતો અને પશુપાલકો હાજર
સાબર ડેરીમાં પશુપાલકોને મળતા દૂઘના ભાવફેરને લઈ પશુપાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

સાબર ડેરીમાં પશુપાલકોને મળતા દૂઘના ભાવફેરને લઈ પશુપાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે પશુપાલકોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી છે. આજે મોડાસામાં કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. મોડાસાના ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો હાજર છે.
ધારાસભ્ય હેમંત ખવાએ કહ્યું, રાજયમાં તાનાશાહી સરકાર છે. અરવલ્લી અને સાબરકાંઠાએ હક્ક માટે લડાઈ શરૂ કરી છે. આ લડાઈ આખા ગુજરાત માટે પ્રેરણા રૂપ છે. ડેરી જેમણે ઉભી કરી તેને સાઇડ લાઈન કરવામાં આવ્યા છે. ભાજપે ડેરીઓને રાજકીય અખાડો બનાવી દીધી છે.
આ ખેડૂત પશુપાલક મહાપંચાયતમા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ ઉપસ્થિત છે. પશુપાલકો દ્વારા દૂધના ભાવમાં 25 ટકા વધારાની માંગ કરી રહ્યા છે. તેમજ છેલ્લા એક સપ્તાહથી ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
આ ખેડૂત પશુપાલક મહાપંચાયત કાર્યક્રમને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એન્જિનીયરિંગ કોલેજ ખાતે હેલિપેડ ખાતે પણ પોલીસ બંદોબસ્ત છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં આ મહાપંચાયતમાં હાજર છે.
પશુપાલકોની માંગણીઓ અને 'આપ'નો સંદેશ
આ મહાપંચાયતનો મુખ્ય ઉદ્દેશ સાબરડેરી સાથે સંકળાયેલા પશુપાલકોની પડતર માંગણીઓને વાચા આપવાનો અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો છે. AAP ના નેતાઓ સાગરભાઈ રબારી અને રાજુભાઈ કરપડાએ સાબરકાંઠાથી એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. સાગરભાઈ રબારીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, જ્યાં સુધી પશુપાલકોની 5 મુખ્ય માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ મજબૂતાઈથી લડત ચાલુ રાખશે.
ડેરી સંચાલકો પર ગંભીર આક્ષેપો
આ મુદ્દે રાજુભાઈ કરપડાએ સાબરડેરીના સંચાલકો પર સીધા અને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, "પશુપાલકોના નફાના પૈસા ડેરી સંચાલકોએ ભાજપના 'તાઈફા' (ઉત્સવો કે નિરર્થક ખર્ચાઓ) પાછળ વાપરી નાખ્યા છે." આ આક્ષેપો દ્વારા AAP ડેરીના વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીનો અભાવ હોવાનું દર્શાવવા માંગે છે.
પશુપાલકોની આ મહાપંચાયત દ્વારા આમ આદમી પાર્ટી સાબરકાંઠા સહિતના પશુપાલન આધારિત વિસ્તારોમાં પોતાનો પાયો વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે, અને આગામી ચૂંટણીઓમાં આ મુદ્દાને એક મુખ્ય મુદ્દો બનાવવાની તૈયારીમાં છે.





















