ખાતરના ભાવ વધારા મુદ્દે ગુજરાત ભાજપના કયા ધારાસભ્યે નોંધાવ્યો વિરોધ? કેન્દ્ર સરકારને પત્ર લખી શું કરી માંગ?
અબડાસાના ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજાનું બેબાક નિવેદન સામે આવ્યું છે. ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતોની દયનિય સ્થિતિ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખી ફેરવિચારણા કરવા રજુઆત કરી છે.
અબડાસાઃ ખાતરના ભાવમાં થયેલા વધારા મુદ્દે ગુજરાતમાં ખેડૂતો ઠેર ઠેર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે ખાતર ભાવ વધારા મુદ્દે ભાજપના ધારાસભ્યનો વિરોધ સામે આવ્યો છે. અબડાસાના ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજાનું બેબાક નિવેદન સામે આવ્યું છે. ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતોની દયનિય સ્થિતિ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખી ફેરવિચારણા કરવા રજુઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે, હું પણ એક ખેડૂત છું અને જે રીતે ખાતરના ભાવ વધ્યા છે તે ખેડૂત માટે યોગ્ય નથી. સરકાર આના ઉપર ફેર વિચારણા કરે.
ખાતરના ભાવ વધારાને લઇને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ કહ્યું ખાતરનો આટલો બધો ભાવ ખેડૂતોની કમર તોડી નાખશે. જૂનાગઢ જિલ્લાના રાજપર ગીર વિસ્તારના ખેડૂતોએ એબીપી અસ્મિતા સાથે ખાતરના ભાવ મુદ્દે વાત કરી હતી. ખાતરનો ભાવ વધારો અસહ્ય છે આમાં ખેતી કેમ કરવી તે એક મોટો સવાલ છે. ડીએપીના ભાવમાં સરકાર ઘટાડો કરે અને સબસિડી પણ આપે. ડીએપી ખાતર પાયાના ખાતર તરીકે જરૂર પડે છે, એટલે નાના-મોટા તમામ ખેડૂતોને ખાતરના ભાવ વધારાની અસર થતી હોય છે. કૃષિ જણસોના ભાવ નથી વધતા પરંતુ દર વર્ષે બિયારણ ખાતર દવાના ભાવમાં સતત વધારો થતો રહે છે.
સુરેન્દ્રનગર જીલ્લા ખેડુત એકતા મંચ દ્વારા ખાતરના ભાવ વધારા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. રાજ્યના ખેડુતો પર સરકાર દ્વારા ખાતરના ભાવ વધારાની બોજો હવે ખેડુતો સહન થઇ શકે તેમ નથી, જેને લઇને રાજ્યભરના ખેડુતો દ્વારા ખાતરના ભાવ વધારા મુદ્દે આક્રોષ વ્યક્ત કરવામા આવ્યો છે. સુરેન્દ્રનગર ખેડુત એકતા મંચ દ્વારા ખાતરના ભાવ વધારા મુદ્દે રાજ્ય સરકારને ખાતરના ભાવ પરત ખેંચવા માટે આવેદનપત્ર આપવામા આવ્યુ છે, જેમાં ખેડુત આગેવાન રાજુભાઇ કરપડા, કિશોરભાઇ પટગીર સહિતનાઓ દ્વારા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાતરના ભાવ પરત ખેંચવા માટે આવેદનપત્ર આપી ખેડુતો વતી રજુવાત કરી હતી.