Weather Update:12 જૂન સુધી આ જિલ્લામાં વરસાદની આગાહી, તો શહેરોમાં તાપમાન જશે 40 પાર
Weather Update: ગુજરાતમાં ચોમાસાના વરસાદ માટે હજુ રાહ જોવી પડશે, હાલ પ્રિમોનસૂન એક્ટિવિટિના ભાગરૂપે છૂટછવાયો હળવો વરસાદ વરસી રહ્યો છે.

Weather Update: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. જ્યારે કેટલાક શહેરમાં તાપમાનનો પારો ઉંચે જતાં આકરી ગરમીનો અનુભવ થશે આજ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. 12 જૂન સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં વરસાદની આગાહી છે. રાજકોટ, અમરેલી, બોટાદમાં વરસાદની સંભાવના છે. ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં આજે હળવા વરસાદ આગાહી કરવામાં આવી છે.
તો બીજી તરફ અમદાવાદમાં હજુ 10 દિવસ વરસાદની શક્યતા નહીવત છે. અમદાવાદમાં ગરમીનું જોર વધી રહ્યું છે. રવિવારે અમદાવાદમાં ગરમીનો પારો પહોંચ્યો 40.4 ડિગ્રી પર પહોંચતા આકરી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. અમદાવાદમાં 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતા છે. ગાંધીનગરમાં 40. રાજકોટમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાય છું.
રાજ્યમાં કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાક વિસ્તારમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગ રૂપે હળવો વરસાદ વરસી રહ્યો છે આ બધાની વચ્ચે ગુજરાતના ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. ભૂકંપ રાત્રે 9:15 વાગ્યે આવ્યો હતો. તેની ઊંડાઈ 5 કિમી નોંધાઈ હતી. એબીપી અસ્મિતાના જણાવ્યા અનુસાર, તલાલા અને ગ્રામીણ વિસ્તારોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી 19 કિમી દૂર હતું. જો કે સદભાગ્યે જાનમાલના નુકસાનના કોઇ અહેવાલ નથી
દેશના અનેક રાજ્યોમાં પણ ફરી મોસમનો મિજાજ બદલાયો છે. દિલ્લી, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં આગ ઝરતી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ગરમીનો પારો 47.4 ડિગ્રી પર પહોંચ્યો છે. દિલ્લીમાં આજે 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ 10 જૂનથી દેશના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 10 જૂનથી દેશના દક્ષિણ રાજ્યો અને પશ્ચિમના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ શકે છે. આ સાથે, ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દિલ્હી માટે ધૂળના તોફાનની ચેતવણી જારી કરી છે. ચોમાસુ સમય પહેલા જ આવી ગયું છે અને દેશના તમામ ભાગોમાં ફેલાઈ રહ્યું છે. 10 જૂનથી દેશના મોટાભાગના ભાગોમાં વરસાદ શરૂ થવાની ધારણા છે.
IMD એ રવિવારે જણાવ્યું હતું કે સોમવારે દિલ્હીમાં સ્વચ્છ આકાશ સાથે ધૂળવાળા પવનો ફૂંકાય તેવી શક્યતા છે. રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જે મોસમી સરેરાશ કરતા 2.1 ડિગ્રી વધારે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 27.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. IMD અનુસાર, સોમવારે શહેરમાં જોરદાર પવન ફૂંકાય તેવી શક્યતા છે અને મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.





















