મોરબીમાં 2018ના ચકચારી ટ્રિપલ મર્ડર કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2018 મા થયેલા ચકચારી ટ્રિપલ મર્ડર કેસમાં નામદાર કોર્ટ દ્વારા તમામ 11 આરોપીને આજીવન કેદની સજા તથા 50 -50 હજાર રૂપિયા દંડની સજા કરવામાં આવી છે.

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2018 મા થયેલા ચકચારી ટ્રિપલ મર્ડર કેસમાં નામદાર કોર્ટ દ્વારા તમામ 11 આરોપીને આજીવન કેદની સજા તથા 50 -50 હજાર રૂપિયા દંડની સજા કરવામાં આવી છે.
તમામ આરોપીને આજીવન કેદની સજા અને 50 હજારનો દંડ
મોરબીના ચકચારી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસે કુલ 12 આરોપીને ઝડપી લીધા હતા. જેમાં એક આરોપીનું જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું બાકી રહેલા 11 આરોપીને કોર્ટે ટ્રિપલ મર્ડર કેસમાં કસુરવાન ઠેરવી તમામ આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો છે
આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 12 ઓગસ્ટ 2018 ના રોજ રાત્રિના સમયે 12 ઇસમોએ છરી, ધોકા, તલવાર જેવા હથિયાર વડે હુમલો કરી દિલાવર પઠાણ, અફઝલ પઠાણ અને મોમીન પઠાણની હત્યા કરી હતી. જે ચકચારી ટ્રિપલ મર્ડરના બનાવમાં મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓ ભરત નારણ ડાભી વિગેરે કુલ 12 આરોપીઓની ધરપકડ કરી હતી.
આ કેસના તપાસ કરનાર અધિકારી તત્કાલીન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના થાણા અમલદાર તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ એ ગોહિલ હતા. શક્તિસિંહ ગોહિલે 37 મૌખિક પુરાવા અને 63 દસ્તાવેજી પુરાવા તથા વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરી, ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા તમામને સજા ફટકારવામાં આવી છે.





















