અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદનઃ ‘આજે એક મંત્રી મળ્યા છે, આવનાર સમયમાં આખી સરકાર મળી જાય તો નવાઈ ન પામતા’
Diyodar Sammelan: દિયોદરના સંમેલનમાં અલ્પેશ ઠાકોરે સમાજના આગેવાનો અને લોકોને વિશાળ સંખ્યામાં માત્ર એક મેસેજથી એકત્ર થવા બદલ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ સંગઠન સમાજની ચિંતા કેટલી છે તે દર્શાવે છે.

Alpesh Thakor: દિયોદર ખાતે આયોજિત ઠાકોર સમાજના સંમેલનમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમાજને સંબોધતા મહત્ત્વપૂર્ણ અને પ્રેરક નિવેદનો કર્યા હતા. તેમણે સમાજને એકતા અને સંગઠનની તાકાત પર ભાર મૂકતા જણાવ્યું કે, "સમય બધાનો આવે છે, આપણો પણ આવશે" અને "હિંમત હારવાની જરૂર નથી." તેમણે આશા વ્યક્ત કરી કે આજે સમાજને એક મંત્રી (સ્વરૂપજી ઠાકોર) મળ્યા છે, પરંતુ આવનારા સમયમાં આખી સરકાર મળી જાય તો નવાઈ પામતા નહીં. અલ્પેશ ઠાકોરે વ્યસનમુક્તિ પર ભાર મૂક્યો અને સમાજને વધુ મજબૂત બનાવવા, અન્ય સમાજોમાંથી શીખ લઈને ધંધા-રોજગાર કરવા અને એકતા જાળવી રાખવા માટે અપીલ કરી. તેમણે 26 જાન્યુઆરી ના રોજ GMDC ગ્રાઉન્ડ માં વિશાળ સભા યોજવાની પણ જાહેરાત કરી.
સમાજને એકતા અને હિંમત ન હારવાનો સંદેશ
દિયોદરના સંમેલનમાં અલ્પેશ ઠાકોરે સમાજના આગેવાનો અને લોકોને વિશાળ સંખ્યામાં માત્ર એક મેસેજથી એકત્ર થવા બદલ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ સંગઠન સમાજની ચિંતા કેટલી છે તે દર્શાવે છે. તેમણે સમાજમાં જોશ ભરતા કહ્યું કે, "અંધારું દેખાય ત્યારે ખૂબ મોટું અજવાળું તમારી રાહ જોવે છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "સમય બધાનો આવે છે, આપણો પણ આવશે, હિંમત હારવાની જરૂર નથી" અને સમાજને વધુ તાકાતવર બનાવવાની મહેનત કરવાનું આહ્વાન કર્યું. અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કર્યું કે, "હજુ તો ઘણું બાકી છે, આ માત્ર પહેલું પગથિયું છે," અને સમાજને બીજા સમાજોની હરોળમાં ઊભા રાખવા માટે મહેનત કરવી પડશે.
રાજકારણમાં મોટી સફળતાની આશા અને આંદોલનકારી સ્વભાવ
રાજકીય ક્ષેત્રે સમાજની વધતી તાકાત અંગે વાત કરતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, આજે આપણને સ્વરૂપજી ઠાકોર ના રૂપમાં એક મંત્રી મળ્યા છે, અને મારી બનાસની બહેન સાંસદ બની છે, જે આવકાર્ય છે. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, "આવનાર સમયમાં આખી સરકાર મળી જાય તો નવાઈ ના પામતા." તેમણે પોતાના સ્વભાવ વિશે વાત કરતા કહ્યું કે, તેમનો સ્વભાવ લડવાનો છે અને તેમની અંદરનો આંદોલનકારી જીવ ક્યારેય મરતો નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "ટૂંટિયું વાળીને સહન કરવું તે સ્વભાવ નથી મારો," અને ચેતવણી આપી કે "તમારા ખભાનો ઉપયોગ બીજાને કરવા ના દેતા."
વ્યસનમુક્તિ અને જમાના સાથે સુધરવાની જરૂરિયાત
સમાજના સુધારાના મુદ્દા પર ભાર મૂકતા અલ્પેશ ઠાકોરે વ્યસનમુક્તિ માટેના પોતાના સંકલ્પને યાદ કરાવ્યો. તેમણે કહ્યું કે, જ્યારે તેમણે વ્યસનમુક્તિનું અભિયાન ઉપાડ્યું ત્યારે કેટલાક લોકો તેમને 'પોટલી વાળા અલ્પેશ ઠાકોર' કહીને મહેણાં મારતા હતા. તેમણે સમાજને અપીલ કરી કે, "હજુ કહું છું કે લાભ પાંચમે સંકલ્પ કરો કે વ્યસન મુક્ત જમાઈ શોધો," અને સમાજને વ્યસનમુક્ત જમાઈ આપતા શીખવું પડશે. તેમણે કહ્યું કે, અનેક સમાજો જમાના સાથે બદલાયા છે અને આજે આપણી પાસે ઘણી જમીન હોવા છતાં આપણે જમાના સાથે સુધરવાની અને ધંધા રોજગાર કરવાની જરૂર છે.
સંગઠન અને એકતા જાળવવા પર ભાર
અલ્પેશ ઠાકોરે સમાજમાં એકતા જાળવવાની મહત્તા સમજાવતા કહ્યું કે, "આપણે વિનંતી કરું છું કે એકતા ટકાઇ રાખજો." તેમણે અન્ય સમાજોમાંથી શીખ લેવા પર ભાર મૂક્યો અને કહ્યું કે, "જે સમાજો આગળ આવ્યા છે, તેમાંથી શીખજો અને ધંધા રોજગાર કરજો." તેમણે સમાજના લોકોને સલાહ આપી કે, "આપણા વતી કોઈ આગળ વધે તો એનો પગ ના ખેંચતા." તેમણે ફરી એકવાર આશ્વાસન આપ્યું કે "ચિંતા ના કરતા, આવનારો સમય તમારો છે" અને દરેક ગામની અને સમગ્ર સમાજની એકતા કરવા વિનંતી કરી.
નવા મંત્રીને 'સાહેબ' નહીં, 'હીરો' કહો અને GMDC સભાની જાહેરાત
નવા મંત્રી સ્વરૂપજી ઠાકોરને સન્માન આપવા વિશે વાત કરતા અલ્પેશ ઠાકોરે એક અલગ જ દ્રષ્ટિકોણ રજૂ કર્યો. તેમણે કહ્યું કે, આપણે બીજા મંત્રીઓને સાહેબ કહીએ છીએ, તો સ્વરૂપજી તો આપણા મંત્રી છે, આપણા હીરો છે, તેથી તેમને 'સાહેબ' કહેજો. અંતમાં, તેમણે ઠાકોર સમાજની જાગૃતિ અને એકતાનું પ્રદર્શન કરવા માટે એક મોટી સભાની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે, "26 મી જાન્યુઆરીએ આપણે GMDC ગ્રાઉન્ડમાં સભા રાખવી છે." તેમણે વ્યંગમાં કહ્યું કે, બધા સમાજ જાગ્યા છે, આપણે પણ જાગવું છે અને જરૂર પડે તો 'રાત્રે 3 વાગે સભા રાખવી છે.'





















