Gujarat Rain: આગામી ત્રણ દિવસ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. બંગાળના ઉપસાગરમાં બનેલ ડીપ ડિપ્રેસનના પગલે 6 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલે વ્યક્ત કરી છે.
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. બંગાળના ઉપસાગરમાં બનેલ ડીપ ડિપ્રેસનના પગલે 6 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલે વ્યક્ત કરી છે. પંચમહાલ, છોટાઉદેપુર, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શકયતા છે. પોરબંદર, દ્વારકા અને જામનગર વિસ્તારમાં વરસાદની શક્યતા છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 12થી 16 ઓગસ્ટ વચ્ચે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના આ જિલ્લાઓમાં આજે તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડના છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં સાડા ચારથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના 16 જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર જિલ્લાના કેટલાક સ્થળો પર અતિભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સિઝનનો અત્યાર સુધીમાં 66.35 ટકા વરસાદ
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 86.60 ટકા, સૌરાષ્ટ્રમાં 77.48 ટકા, દક્ષિણ ગુજરાતમાં 78.37 ટકા સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 49.88 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 47.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.