Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણી લો અંબાલાલની લેટેસ્ટ આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 23મી તારીખે બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનશે આ કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.

અમદાવાદ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, 23મી તારીખે બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનશે આ કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ ઉપરાંત તારીખ 21થી 23 જુલાઈ દરમિયાન હવામાનમાં પલટો આવશે. બંગાળના ઉપસાગરના વહનના કારણે પૂર્વ મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે.
ભારેથી અતિભારે વરસાદનું અનુમાન
તેમના જણાવ્યા મુજબ દેશના કેટલાક ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદની સ્થિતિ વધુ રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં અતિભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં નવી સિસ્ટમ સર્જાશે
અંબાલાલના આંકલન મુજબ ગુજરાતમાં નવી સિસ્ટમ સર્જાશે છે અને આ સમયમાં વરસાદ વરસશે. 26 જુલાઈથી 29 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ થશે. ઉપરાંત 6થી 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ સમય દરમિયાન મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ શકે છે. અંબાલાલે નદીના જળસ્તરને ભયજનક સપાટીથી વહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
અમદાવાદ શહેરમાં વરસાદ
આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે. રાણીપ, એસપી રીંગ રોડ, સાણંદ, શેલા, શીલજ સહિતના મોટાભાગના વિસ્તારમાં સવારથી વરસાદ વરસ્યો છે. સવારથી જ શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પ્રહલાદનગર, એસજી હાઈવે, બોપલ, ઘુમામાં સવારથી વરસાદી માહોલે જમાવટ કરી હતી. શેલા, શીલજ, ઈસનપુર, રાણીપમાં સવારથી ધોધમાર વરસાદી ઝાપટાના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.
રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.





















