Dummy scam: તોડકાંડમાં યુવરાજસિંહ વિરૂદ્ધ ભાવનગર જિલ્લામાં વધુ એક ગુનો નોંધાય તેવી શક્યતા
યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ AAP પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી છે.
Bhavnagar News: તોડકાંડમાં યુવરાજસિંહ વિરૂદ્ધ ભાવનગર જિલ્લામાં વધુ એક ગુનો નોંધાય તેવી શક્યતા છે. યુવરાજસિંહ વિરૂદ્ધ અપહરણ કરી ડમી વિદ્યાર્થીઓને ગોંધી રાખવાનો ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે યુવરાજસિંહના સાળા પાસેથી લાખોની રોકડ પણ રિક્વર કરવામાં આવી છે. જો કે હાલ તો નિલમબાગમાં નોંધાયેલી ફરિયાદ યુવરાજસિંહ હાલ પોલીસ રિમાન્ડ પર છે. યુવરાજસિંહ વિરૂદ્ધ પકડાયેલા આરોપીઓએ નિવેદનો નોંધાવ્યા છે.
યુવરાજસિંહની ધરપકડના રાજકીય પ્રત્યાઘાત
યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી છે. તમને જણાવી દઈએ કે, યુવરાજસિંહ આમ આદમી પાર્ટીના કાર્યકર છે. યુવરાજસિંહ ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી હવે મેદાનમાં આવી છે.
સોમવારે રાજ્યભરમાં AAP દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે. સમગ્ર પ્રકરણની તપાસ માટે નિવૃત ન્યાયાધીશની આગેવાનીમાં ખાસ તપાસ ટીમની માંગ કરવામાં આવશે. તો બીજી તરફ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ડમી પ્રકરણમાં તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ બાદ આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયું છે. હવે યુવરાજસિંહના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોગ્રેસ જોવા મળી રહી છે.
ઇસુદાન ગઢવીએ યુવરાજ સિંહનું સમર્થન કરતા સરકાર પર આકરા પ્રહાર પણ કર્યાં
તોડકાંડ અને ડમીકાંડ મામલે મીડિયા સમક્ષ વાત કરતા આજે AAPના નેતા ઇસુદાન ગઢવીએ યુવરાજ સિંહનું સમર્થન કરતા સરકાર પર આકરા પ્રહાર પણ કર્યાં હતા. ઇસુદાન ગઢવીએ કહ્યું કે, પુરાવા એકઠા કરવાનું કામ યુવરાજ સિંહનું નથી. અહીં સવાલ એ થાય છે કે જે ડમીકાંડ બહાર લાવે છે તેમને જ કેમ ફસાવવામાં આવે છે. યુવરાજ સિંહે ડમીકાંડ બહાર પાડ્યું છે. તો તેના પર ઉડી તપાસ થવી જોઇએ નહિ કે નામ કાંડ ઉજાગર કરનારને જ ફસાવવામાં આવે.
ડમીકાંડના આરોપીને પોલીસ નથી પકડી શકી
વધુમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આ સમગ્ર મામલામાં યુવરાજ સિંહને જેલમાં નાખી દેવાયા પરંતુ ડમીકાંડના આરોપીને પોલીસ નથી પકડી શકી. યુવરાજ સિંહ આજે પણ યુવોનો આઇકોન છે. બીજી એ પણ છે કે, યુવરાજ સિંહ જેલમાં હોવાથી હવે કોઇ પેપરકાંડ બહાર નહી પાડી શકે. યુવરાજ સિંહને જેલમાં ધકેલવાની સક્ષમતા ધરાવતી પોલીસ ડમીકાંડ કેમ ન પકડી શકી?