(Source: ECI/ABP News/ABP Majha)
મહાઠગ કિરણ પટેલની વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો,જાણો વિગતો
બહુ ચર્ચિત મહાઠગ કિરણ પટેલની વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. ગોધરાનાં શણગાર ડેકોરેશનના માલિક કેતન ગાંધી સાથે રૂપિયા 10 લાખની ઠગાઈ કરી હોવાના આરોપ લાગ્યા છે.
વડોદરા: બહુ ચર્ચિત મહાઠગ કિરણ પટેલની વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. ગોધરાનાં શણગાર ડેકોરેશનના માલિક કેતન ગાંધી સાથે રૂપિયા 10 લાખની ઠગાઈ કરી હોવાના આરોપ લાગ્યા છે. વર્ષ 2018 દરમિયાન વડોદરાનાં નવલખી મેદાનમાં નવરાત્રી કાર્યક્રમમાં ઇવેન્ટ રાખવામાં આવી હતી. જેમા ગોધરાનાં વેપારી દ્વારા ડેકોરેશન ભાડે આપવામાં આવ્યુ હતું. જે ભાડાની રકમની ઉઘરાણી કરતા તેને તેની પત્નિનાં નામનો ચેક આપવામાં આવતાં હતા જે બાઉન્સ થતા વેપારીએ નાણાંની સતત ઉઘરાણી કરતા પોતે પીએમઓના અધિકારી હોવાનો રોફ જમાવી ધમકી આપતો હતો. જે બાદ વેપારી દ્વારા વડોદરાની રાવપુરા પોલીસ મથકે મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોધાવવામાં આવી હતી.
PMO માં અધિકારી તરીકેની ઓળખ આપીને છેતરપીંડી કરનાર કિરણ પટેલના એક બાદ એક કરતૂત સામે આવી રહ્યા છે. બરોડા ખાતે મારકોમ એજન્સી સાથે ઇવેન્ટ યોજ્યા બાદ ઇવેન્ટ સંચાલક દીપેશ શેઠ અને કિરણ પટેલે નાણાં ન ચૂકવતા વેપારી પરિતોષ શાહે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટના હુકમ બાદ ઇવેન્ટ સંચાલક દીપેશ શેઠે 15 લાખ ચૂકવ્યા પણ કિરણ પટેલે 5 લાખ ચૂકવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું વેપારીએ સ્વીકાર્યું. પરિતોષ શાહે abp અસ્મિતા સાથેની વાતચીતમાં તે પણ સ્વીકાર કર્યો કે કિરણ પટેલ નેતાઓના કાર્યક્રમમાં પહોચી જઈને ફોટા પડાવતા અને તે બાદમાં પોતાની ખોટી ઓળખ ઉભી કરતા. કોર્ટે કરેલા આદેશ બાદ અંતે પરિતોષ શાહે પોતાની ફરિયાદ પાછી પણ ખેંચી હતી પણ પોતાના નાણાં ગુમાવવાનો વારો આવ્યો હતો.
કિરણ પટેલ પોતાની ઓળખ પ્રધાનમંત્રી કાર્યાલયના એડિશનલ ડાયરેક્ટર તરીકે આપતો હતો. આ ખોટી ઓળખ આપીને તેણે જમ્મુ કાશ્મીરમાં પોતાની જાળ પાથરી હતી. અહીંના વહીવટી તંત્રને તેણે એમ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે તેને દક્ષિણ કાશ્મીરમાં સફરજનનાં બગચી માટે ખરીદનારાઓની ઓળખ કરવાનું કામ સોંપ્યુ છે. તે દિલ્હીના ટોચનાં અધિકારીઓ અને રાજકારણીઓનાં નામ લેતો હોવાથી બે સ્થાનિક IAS અધિકારીઓ તેના પ્રભાવમાં આવી ગયા. અધિકારીઓએ માની લીધું કે કિરણ પટેલ પીએમઓનો વરિષ્ઠ અધિકારી છે. જેનો કિરણ પટેલે ખોટો લાભ લીધો. તે એ હદ સુધી અધિકારી બની બેઠો કે સરકારના ખર્ચે ઝેડ પ્લસ સિક્યોટિરી મેળવીને જાહેરમાં ફરતો હતો. બુલેટપ્રૂફ કારમાં જ જવાનોના કાફલા સાથે અવરજવર કરતો હતો. ફાઈવસ્ટાર હોટેલમાં રોકાતો હતો. કાશ્મીરના અધિકારીઓ સાથે બેઠકો કરતો હતો.
કિરણ પટેલે કેટલાક પૂર્વ તો કેટલાક વર્તમાન મંત્રીઓ સાથે અને બ્યૂરોક્રેસીના કેટલાક અધિકારીઓ સાથે બેઠક કરી હોવાની વાતો પણ વહેતી કરી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ હવે આ છેડા શોધશે. કિરણ પટેલ અમદાવાદથી કાશ્મીર આવતા પહેલા ડેપ્યુટી કમિશનર પીએમઓના નામે ફોન કરીને વીઆઈપી સિક્યોરિટી આપવાની સૂચના આપતો હતો.