કચ્છ: 280 કરોડના ડ્રગ્સકાંડ મામલે ATSને મળી મોટી સફળતા,મુખ્ય સુત્રધારની ધરપકડ
કચ્છના જખૌ ખાતે 280 કરોડ ડ્રગ્સ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જખૌના દરિયામાંથી ગત 26 એપ્રિલના રૂ.280 કરોડની કિંમતના 56 કિલો હેરોઇનના જથ્થા સાથે 9 પાકિસ્તાની શખ્સોને ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડયા હતા.
કચ્છ: ગુજરાતમાં ઘણા દિવસથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. આ કડીમાં કચ્છના જખૌ ખાતે 280 કરોડ ડ્રગ્સ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જખૌના દરિયામાંથી ગત 26 એપ્રિલના રૂ.280 કરોડની કિંમતના 56 કિલો હેરોઇનના જથ્થા સાથે 9 પાકિસ્તાની શખ્સોને ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડયા હતા. જખૌ બંદર ઉપરથી ઝડપાયેલ 280 કરોડના મુખ્ય સુત્રધાર રાજી હૈદરની ATSએ ધરપકડ કરી છે. આ અગાઉ દિલ્હીના નાગરિક અને અફઘાની નાગરિક ઝડપાયા બાદ હવે ડ્રગ્સ મંગાવનારા મુખ્ય સૂત્રધાર એવા રાજી હૈદરનો કબ્જો પણ એટીએસની ટુકડીએ મેળવી લીધો છે.
ટ્રાન્ઝિટ વોરંટના આધારે મુખ્ય આરોપી રાજી હૈદર અને તેના સાગરીતને ભુજ NDPS કોર્ટમાં રજૂ કરાતા બંનેના 14 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. પૂછ-પરછમાં 280 કરોડનું ડ્રગ્સ કરાંચી બંદરથી મુસ્તફા અયુબ મિયાણાએ મોકલાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં 9 પાકિસ્તાની સાથે એક અફઘાની અને ભારતના નાગરિક સહિત કુલ 11 આરોપીઓ ભુજના પાલારા જેલની હવા ખાઈ રહ્યા છે.
જૂનાગઢ: પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દીધો, આ રીતે ફૂટ્યો ભાંડો
જૂનાગઢ : વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે હ્યદયને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો. દોઢેક માસ પહેલા પતિએ પત્નીની હત્યા કરી શેઢાળીના દરમાં મૃતદેહને દાટી હતો. જો કે, પોલીસે પતિની કડકાઈથી પૂછપરછ કરતા હત્યા અંગે ભાંડો ફૂટ્યો હતો. ત્યાર બાદ પોલીસે ખાડો ખોદી તપાસ કરતા મહિલાના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. હવે મહિલાના અવશેષોને ડી.એન.એ ટેસ્ટ માટે મોકલાશે. પોલીસે આરોપી પતિ જીવરાજ જગુ માથાસુરીયા વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
જામનગરમાં બાળકને ઠપકો આપવાની બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, એકની હત્યા
જામનગર: શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ગતરાત્રીના ડિફેન્સ કોલોની વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. મૃતકનું નામ ભરત ગઢવી છે. બાળકને ઠપકો આપવાની બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા પછી થયેલ મારામારીની ઘટના હત્યામાં ફેરવાઈ હતી. આ ઘટનામાં એક યુવાન ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી.