(Source: ECI/ABP News/ABP Majha)
BANASKANTHA : વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં નિરાશા, પાક નિષ્ફળ જવાની ભીતી
Gujarat Rain : બનાસકાંઠામાં સીઝનનો માત્ર 32% જેટલો જ વરસાદ નોંધાતા ચાલુ વર્ષે જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની શકે છે.
Banaskantha : બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં નિરાશા જોવા મળી છે અને વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે. બનાસકાંઠામાં સીઝનનો માત્ર 32% જેટલો જ વરસાદ નોંધાતા ચાલુ વર્ષે જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની શકે છે.
વરસાદ ન થતા વાવેતર ઘટ્યું
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદની અનિયમતાના કારણે વાવેતર વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે તો બીજી તરફ જિલ્લાના ખેડૂતો મીટ માંડીને બેઠા છે કે વરસાદ વરસે તો વાવેતર કરેલા પાકને જીવનદાન મળી શકે તેમ છે. ગત વર્ષે 5 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં જિલ્લામાં વાવેતર થયું હતું તો ચાલુ વર્ષે માત્ર 3998 હેક્ટરમાં વાવેતર થતાં વાવેતર વિસ્તાર પણ ઘટ્યો છે.
બનાસકાંઠામાં કેટલો વરસાદ પડ્યો
બનાસકાંઠામાં સૌથી ઓછો વરસાદ 10% જેટલો ધાનેરા તાલુકામાં પડ્યો છે તો બીજી તરફ લાખણીમાં પણ 15% વરસાદ નોંધાયો છે હાલ વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર સહિત ખેડાઈ ખર્ચ પણ કર્યો છે ત્યારે વરસાદ ખેંચાતા હાલતો ધાનેરા પંથકના ખેડૂતોની હાલત કફોડી જોવા મળી.
જિલ્લાના ડેમ પણ તળિયા ઝાટક
વાત કરવામાં આવે તો એક તરફ જિલ્લાના ડેમ પણ તળિયા ઝાટક જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ભૂગર્ભજળની સમસ્યા સતત સતાવી રહી છે ચોમાસુ સિઝનનું વાવેતર કરતા ખેડૂતો હાલતો મુશ્કેલીમાં મુકાયા છે. મોંઘા ભાવે બિયારણ લાવી ખેડૂતોએ ખર્ચ કરી વાવેતર કરી નાખ્યું છે પરંતુ વરસાદ નહિવત હોવાથી પાક મુરજાવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે.
ખેડૂતોની સ્થિતિ પડ્યા ઉપર પાટુ
ખેતીવાડી અધિકારીનું માનીએ તો હાલ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કરી દીધું છે અને સારું ચોમાસું જાય તેવી આશા વ્યક્ત કરી છે. ધાનેરા તથા લાખણી પંથકમાં નહિવત વરસાદના કારણે હાલતો ખેડૂતોની સ્થિતિ પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ખેડૂતો હવે મીટ માંડીને બેઠા છે કે વરસાદ વરસે તો વાવેતર કરેલ પાક માં ફાયદો થશે નહીંતર નુકસાન ભોગવવાનો વારો આવી શકે તેમ છે.