(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસને મોટો ઝટકોઃ ખંભાતનાં ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું, કોંગ્રેસના ધારાસભ્ય 17માંથી ઘટીને 16 થયા
182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને 181ની થઈ છે અને આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તો તે સંખ્યા ઘટીને આજે 180ની થઈ જશે.
Congress MLA from Khambhat Chirag Patel: લોકસભાની ચૂંટણીનું વર્ષ શરૂ થાય તે પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના રડાર પર છે. ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું તો આજે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે.
182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને 181ની થઈ છે અને આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપતા તો તે સંખ્યા ઘટીને આજે 180ની થઈ જશે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. જે આજે ધારાસભ્યના રાજીનામાં બાદ ઘટીને 16નું થઈ ગયું છે.
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કર્યું છે ઓપરેશન લોટસ. આ અંતર્ગત આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસમાં ભંગાણ કરવામાં ભાજપ સફળ રહી છે. આજે કોંગ્રેસમાં ભૂકંપ તો ત્યારે સર્જાયો જ્યારે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું હતું. આવનારા દિવસોમાં હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવી ચર્ચા ચાલી રહી છે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાઈ કઈ આવડતું નથી. ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગુંગણામણ અનુભવી રહ્યાં છે. કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. 1990 બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી.
કોંગ્રેસના અને AAPના અન્ય ધારાસભ્યો પણ ભાજપના રડાર પર છે. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી છે તો સ્વભાવિક છે કે જે પણ ધારાસભ્ય રાજીનામા આપશે તે ભાજપમાં જોડાશે. ભાજપે રાજીનામું આપનાર આપ અને કોંગ્રેસના નેતાઓ માટે વેલકમ પાર્ટીનું આયોજન નવા વર્ષની શરૂઆતમાં જ કરી હોવાની જાણકારી મળી રહી છે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી રાજીનામું આપ્યું હતું. ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું હતું. વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. ભાયાણીના રાજીનામાં બાદ વિધાનસભાનું સંખ્યાબળ ખંડીત થઈને 181 થયું છે. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું હતું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.