(Source: ECI/ABP News/ABP Majha)
Biparjoy Cyclone: અમદાવાદમાં પણ જોવા મળશે વાવાઝોડાની અસર, જાણો કેટલા દિવસની કરાઇ વરસાદની આગાહી?
વાવાઝોડાની સૌથી વધુ અસર સમગ્ર કચ્છ જિલ્લામાં થશે. કચ્છની સાથે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં વાવાઝોડાની વિનાશક અસર થશે.
અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થશે. અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદ શહેરમાં આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. શહેરમાં 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ આણંદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે.
હવામાન વિભાગના મતે 15 જૂને બિપરજોય વાવાઝોડુ કચ્છના માંડવી પાસે વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. દરમિયાન પવનની ગતિ 125થી 135 કિમી પ્રતિ કલાકની રહેશે. વાવાઝોડાની સૌથી વધુ અસર સમગ્ર કચ્છ જિલ્લામાં થશે. કચ્છની સાથે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં વાવાઝોડાની વિનાશક અસર થશે. જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે.
બિપરજોય વાવાઝોડુ 15 જૂને કચ્છના માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે. વાવાઝોડુ લેન્ડ ફોલ થશે ત્યારે તે વિસ્તારમાં 125 થી 135 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, દ્વારકા અને જામનગરમાં વાવાઝોડાની વધુ અસર થશે. ભારે પવન, વીજળી સાથે અતિ ભારે વરસાદ પડશે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવનથી વૃક્ષો પડવાની શક્યતા હોવાથી પ્રભાવિત વિસ્તારના લોકોએ ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડશે. આ સાથે જ 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે.
વાવાઝોડાને પગલે પોરબંદર-ઓખાથી એક હજાર 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકા, પોરબંદર, કચ્છમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જૂનાગઢ, જામનગરમાં પણ NDRFની ટીમ તૈનાત કરાઇ હતી. SDRFની 17 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિને લઈને ગાંધીનગરથી સતત મોનિટરિંગ કરાઇ રહ્યું છે. જામનગર, દ્વારકા જિલ્લાના નવ બંદરો પર ચાર નંબરનું સિગ્નલ લગાવાયું છે. તો પોરબંદર, ઓખા, બેડી બંદર, નવલખી, માંડવી, મુંદ્રા, જખૌ બંદર પર ચાર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર કરાયું છે.