Botad: રેલવે સ્ટેશન પર ડેમુ ટ્રેનમાં લાગી ભીષણ આગ, મોટી દુર્ઘટના ટળી
બોટાદ રેલવે સ્ટેશન પર ઉભેલી ડેમુ ટ્રેનમાં ભીષણ આગ લાગી છે. બોટાદ રેલવે સ્ટેશનના સાત નંબરના પ્લેટફોર્મ પર ઊભેલી ટ્રેનમાં આગ લાગી હતી.
બોટાદઃ બોટાદ રેલવે સ્ટેશન પર ઉભેલી ડેમુ ટ્રેનમાં ભીષણ આગ લાગી છે. બોટાદ રેલવે સ્ટેશનના સાત નંબરના પ્લેટફોર્મ પર ઊભેલી ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ગાડીઓ સ્ટેશન પર પહોંચી હતી.
અહેવાલ અનુસાર, બોટાદ રેલવે સ્ટેશનના 7 નંબરના પ્લેટફોર્મ પર ઊભેલી ડેમુ ટ્રેનમાં આગ લાગી હતી. બોટાદથી સુરેન્દ્રનગર જતી ડેમુ ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરવિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આગ લાગવાનું કારણ અકબંધ છે. આ ઉપરાંત કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
જેતપુરના ગુંદાળા ગામે 9 વર્ષની વિદ્યાર્થીનીનું સ્કૂલ બસની અડફેટે મોત
રાજકોટ જિલ્લાના જેતપુરના મોટા ગુંદાળા ગામમાં પટેલ ચોક નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. અહીં સ્વામિનારાયણ સ્કૂલની બસે અડફેટે લેતા વિદ્યાર્થીનિનું મોત થયું છે. સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને લઈને ગામમાં મુકવા માટે બસ આવી હતી. સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓને ઉતારી બસ જતા સમયે અડફેટે લેતા ઘટના બની છે. ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત થયું છે. અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. કેસ્વી અરવિંદભાઈ અભંગી નામની 9 વર્ષીય વિદ્યાર્થીનિનું મોત થયું છે. જેતપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિદ્યાર્થીનના મોતને લઈ ડોકટરને ખખડાવ્યા હતા. જેતપુર સિવિલ હોસ્પિટલના મેદાનમાં ડોક્ટરને ધારાસભ્યએ ધક્કા માર્યા તેમજ ટાપલી દાવ કર્યો હતો. ધારાસભ્ય જયેશ રાદડિયાએ સિવિલ સુપ્રીડેન્ટન્ડને ઉધડા લીધા હતા. ડોકટર દ્વારા અકસ્માતમાં મોત થયેલ વિદ્યાર્થીનીનું પીએમ કરવાની ના પાડતા ખખડાવ્યા હતા. સિવિલના ડોક્ટર દ્વારા ફોરેન્સિક પીએમ કરવાનું કહેતા ધારાસભ્યએ ઉધડા લીધા હતા.
Gujarat: સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધ્યો, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું
સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. આજે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 40.8 અને રાજકોટમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના અનુસાર ઉત્તર દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈ તાપમાનમાં વધારો થશે. બે દિવસ બાદ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 1 ડિગ્રી વધી શકે છે.
હવામાન વિભાગની આગાહી સામે આવી છે. સાથે જ અમદાવાદવાસીઓને ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. બે દિવસ બાદ અમદાવાદમાં ગરમીમાં આંશિક રાહત મળશે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે 2 દિવસ બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે. આજથી બે દિવસ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં 1 ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે.