C. R. પાટિલે ભાજપને કોના પૈસે ચાલતી પાર્ટી ગણાવી ?
દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) દર વર્ષે કાર્યકરો પાસેથી ડોનેશન મેળવી પોતાનું ફંડ એકઠું કરે છે.
વડોદરાઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે વડોદરામાં ભાજપના માઈક્રો ડોનેશન અભિયાન અંતર્ગત કાર્યકરોને પક્ષ માટે દાન આપવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે પાટિલે ભાજપના કાર્યકરોને સંબોધતાં કહ્યું કે, ભાજપ કાર્યકરોની મહેનતથી ઉભી થયેલી અને કાર્યકરોના જ પૈસે ચાલતી પાર્ટી છે. ભાજપના કાર્યકરો ભાજપના માઈક્રો ડોનેશન અભિયાન અંતર્ગત 5 રૂપિયાથી શરૂ કરીને 1000 રૂપિયા સુધીનું ડોનેશન કરી શકે છે.
પાટિલે કહ્યું કે, ભાજપના માઈક્રો ડોનેશન અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકરો પાસેથી માઈક્રો લેવલેથી ફંડ એકત્ર થઈ રહ્યું છે અને તેને ભાજપના કાર્યકરોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે માહિતી આપી કે, આજે અહીંયા 350થી વધુ કાર્યકરોએ ડોનેશન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળ્યાં બાદ કાર્યકર્તાઓ ફંડ માટે કાર્યરત થયા હતા અને ભાજપના માઈક્રો ડોનેશન અભિયાન અંતર્ગતને વેગ આપ્યો હતો.
દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) દર વર્ષે કાર્યકરો પાસેથી ડોનેશન મેળવી પોતાનું ફંડ એકઠું કરે છે. આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો એપના માધ્યમથી માઈક્રો ડોનેશન અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આ માઈક્રો ડોનેશન અભિયાનમાંગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. સમગ્ર દેશમાં નંબર ઓફ ડોનેશન અને નંબર ઓફ રેફરલ કોડનો ઉપયોગ કરવામાં ગુજરાત પ્રદેશ ભાજપ હાલ સૌથી મોખરે છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાયીના જન્મદિવસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા માઈક્રો ડોનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા કાર્યકર્તાઓને પાર્ટી ફંડ આપવા માટે આહવાહન કર્યું હતું.
ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સમયાંતરે પાર્ટી ફંડ માટે કાર્યકરો વચ્ચે જાય છે અને ડોનેશન મેળવે છે. સંગઠન દ્વારા આ માઈક્રો ડોનેશન અભિયાન હેઠળ 5 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 250 રૂપિયા, 500 રૂપિયા અને હજાર રૂપિયા સુધી ડોનેશન આપી શકાય છે.