આકરા તાપને લઈને રાજ્ય સરકાર એક્શનમાં, મુખ્યમંત્રીએ બેઠક યોજી ઉચ્ચ અધિકારીઓને આપ્યો આ આદેશ
આગોતરા આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હીટવેવની સ્થિતિને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
Heat in Gujarat: રાજ્યમાં સંભિવત હિટવેવની અસરને લઈને રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. આગોતરા આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હીટવેવની સ્થિતિને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જિલ્લા વિકાસ અધિકારી અને તમામ જિલ્લા પંચાયતના તાબા હેઠળની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતોમાં મુલાકાત લેતાં અરજદારો, લાભાર્થીઓ અને જાહેર જનતા માટે છાંયડામાં બેઠક વ્યવસ્થાની સુવિધા ઉપલબ્ધ કરવા કહ્યું છે. તમામ માટે પૂરતા પ્રમાણમાં ચોખ્ખુ પીવાનું ઠંડુ પાણી, સ્થાનિક આરોગ્ય કેન્દ્રના ઇમરજન્સી નંબર અને નજીકના આરોગ્ય કેન્દ્રની માહિતી ઉપલબ્ધ કરાવવાની વાત કહી છે. ગ્રામ્ય કક્ષાએ દાતાઓ, NGO અથવા ડેરીના સહયોગથી લીંબુ પાણી અને છાશની વ્યવસ્થા કરાવવી. આ સાથે જ હિટવેવને લઈને સૂચનાઓનો બહોળો પ્રચાર કરવા સૂચના અપાઈ છે. આ સાથે જ શક્ય બને ત્યા સુધી બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. તો ખાસ બાળકો, વૃદ્ધો અને સગર્ભાઓને તકેદારી રાખવા સૂચના અપાઈ છે.
રાજ્યમાં ઉનાળો હવે અસલ મિજાજમાં આવી ગયો છે. અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો છે. તો 42.2 ડિગ્રી સાથે અમરેલી શહેર રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમરેલીમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન, તો સુરેન્દ્રનગરમાં 41.8, રાજકોટમાં 41.5, તો કેશોદ-ભાવનગર અને મહુવામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું છે. તો આકરી ગરમીમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના નાગરિકો અકળાયા છે. વલ્લભવિદ્યાનગર, વડોદરામાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી, તો ડીસા, ગાંધીનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. હવામાન વિભાગે આજે પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે.
આગ ઓકતી ગરમીને લઈને રાજકોટ સિવિલ પ્રશાસન એક્શનમાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ સાથે સજ્જ 25 બેડ સાથેનો વોર્ડ ઉભો કરાયો છે. તો સિવિલ અધિક્ષકે લોકોને કામ સિવાય બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અને ડોક્ટરની સલાહ સિવાય કોઈપણ પ્રકારની દવા ન લેવા સલાહ આપી છે.