ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, 8 જિલ્લાની 127 વસાહતોને મળશે સીધો લાભ, 26 તાલુકાના લોકોને થશે ફાયદો
વસાહતીઓને ગ્રામ પંચાયતની તમામ યોજનાઓનો લાભ મળશે, જીવનધોરણ સુધરશે.

Narmada settlement merger Gujarat: ગુજરાત સરકારે સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી (SSRP) હસ્તકની વસાહતોને તેમના મૂળ ગામોમાં ભેળવવા અને હસ્તાંતરણ કરવા માટેના નિયમોને આખરી ઓપ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) આ અંગેની કાર્યપદ્ધતિને મંજૂરી આપતાં, નર્મદા યોજનાના વિસ્થાપિતો માટે એક મોટો અને હકારાત્મક નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી રાજ્યના 8 જિલ્લાના 26 તાલુકાની કુલ 127 નર્મદા વસાહતોનો તેમના નજીકના સંબંધિત ગામો સાથે વિલિનીકરણનો માર્ગ મોકળો બન્યો છે. આ જિલ્લાઓમાં અમદાવાદ ગ્રામ્ય, વડોદરા, ભરૂચ, ખેડા, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર અને મહિસાગરનો સમાવેશ થાય છે.
નાગરિક સુવિધાઓની જવાબદારી ગ્રામ પંચાયતો સંભાળશે
રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાયેલી આ કાર્યપદ્ધતિમાં સ્પષ્ટપણે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, આવી વસાહતોમાં ઉપલબ્ધ તમામ નાગરિક સુવિધાઓની જવાબદારી સંબંધિત ગ્રામ પંચાયતોની રહેશે. આમાં પીવાના પાણીના સ્ત્રોત, વસાહતને મુખ્ય માર્ગ સાથે જોડતા એપ્રોચ રોડ અને આંતરિક રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટની સુવિધાઓ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, તેમજ વસાહતોની જાહેર સુવિધાઓની મરામત અને નિભાવણીનો સમાવેશ થાય છે.
આ હસ્તાંતરણની કાર્યપદ્ધતિ રાજ્ય સરકાર દ્વારા નિયત થવાથી હવે આગામી આશરે બે મહિનામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
વસાહતીઓને મળશે સર્વગ્રાહી લાભ અને નાગરિક સશક્તિકરણ
આ હસ્તાંતરણ પ્રક્રિયાથી વસાહતોમાં રહેતા તમામ કુટુંબોને ગ્રામ પંચાયત દ્વારા અપાતી સરકારની તમામ યોજનાઓનો નિયમોનુસાર સરળતાથી લાભ મળી શકશે. આનાથી વસાહતીઓ હવે ગ્રામ પંચાયતના સક્રિય નાગરિક બનશે, જેનાથી તેમના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો આવશે અને તેઓ આવશ્યક સુવિધાઓ સરળતાથી મેળવી શકશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ નર્મદા વસાહતોને નજીકની ગ્રામ પંચાયતો સાથે ભેળવવા માટે અન્ય પણ કેટલીક બાબતો સુનિશ્ચિત કરી છે:
- વસાહતોના વણફાળવાયેલા પ્લોટની માલિકી સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીની જ રહેશે.
- નર્મદા વસાહતોને લગતો તમામ રેકોર્ડ એજન્સીએ ગ્રામ પંચાયતને સોંપી દેવાનો રહેશે.
- વસાહતના તમામ રહેવાસીઓના મતાધિકાર અને પ્રતિનિધિત્વને લગતી બધી બાબતો સરકારની પ્રવર્તમાન જોગવાઈ અનુસાર ગ્રામ પંચાયતે સુનિશ્ચિત કરવાની રહેશે.
- વસાહતોમાં આવેલા શાળા, દવાખાના, આંગણવાડી જેવી સુવિધાઓ સંબંધિત વિભાગને સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીએ હસ્તાંતરણ કરવાની રહેશે.
- વસાહતોમાં આવેલા કોમન પ્લોટ અને ખુલ્લી જગ્યાઓના વિસ્તારનો ઉપયોગ સંબંધિત ગ્રામ પંચાયત વસાહતીઓની સાર્વજનિક સુવિધાઓના વિકાસ માટે કરી શકશે.
- નર્મદા વસાહતો હેઠળની મિલકતોની આકારણી કરીને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અને તે અન્વયેના નિયમોથી નિયત કરવામાં આવેલા કર અને વેરાની વસૂલાત જે તે ગ્રામ પંચાયત કરશે.
- હસ્તાંતરણની પ્રક્રિયા થઈ ગયા બાદ વસાહત સંબંધિત કોઈ પણ નાગરિક સુવિધા અંગેની ફરિયાદોના નિવારણ માટે જે તે ગ્રામ પંચાયત જવાબદાર રહેશે.
રાજ્ય સરકારે એવું પણ ઠરાવ્યું છે કે, આ નિયમો ભવિષ્યમાં સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી હસ્તકની બાકી રહેલી નર્મદા વસાહતોને નજીકની સંબંધિત ગ્રામ પંચાયતોમાં સમાવેશ કરવામાં આવે ત્યારે પણ યથાવત લાગુ પડશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં નિયત થયેલ આ કાર્યપદ્ધતિ અંગેના વિધિવત ઠરાવો પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે બહાર પાડ્યા છે.





















