(Source: ECI/ABP News/ABP Majha)
CM દિલ્હીના પ્રવાસે, ખાસ પેકેજની જાહેરાત, વિરોધીઓ પર નીતિન પટેલ ગરજ્યા, જાણો ગુજરાતના મહત્ત્વના સમાચાર
નવી સરકાર નવી ઉર્જાના નારાને બુલંદ બનાવવા બેદરકાર અધિકારીઓની હવે ખેર નહીં.
મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યા પછી પ્રથમ વખત આજે સવારે દિલ્લી જવા રવાના થયા. મુખ્યમંત્રી દિલ્લીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુની શુભેચ્છા મુલાકાત લેશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરશે. મુખ્યમંત્રી PM મોદીને મળી ગુજરાતની સ્થિતિ અને કામગીરીથી વાકેફ કરશે. જ્યારે રાત્રીના દિલ્લીથી મુખ્યમંત્રી પરત ફરશે.
ખાસ પેકેજની જાહેરાત
વરસાદથી થયેલા નુકસાનને લઈને આજે ખાસ પેકેજની જાહેરાત થઈ શકે છે. પાક ધોવાણ માટે સર્વેની કામગીરી ચાલુ છે. કામગીરી પૂર્ણ થયા પછી ચૂકવણી થશે તેવો દાવો રાઘવજી પટેલે કર્યો છે. પશુઓના મૃત્યુના કિસ્સામાં 30ના બદલે 50 હજાર સહાય મળે તેવી CM સાથે ચર્ચા કરવામાં આવી હોવાની વાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે. રાઘવજી પટેલ મંત્રી બન્યા બાદ તેમના મત વિસ્તારમાં આવતા અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે. કૃષિમંત્રીએ ખાતરી આપી કે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને સરકાર તરફથી સહાય મળે તેની કાર્યવાહી ત્વરીત કરવામાં આવશે.
વિરોધીઓ પર નીતિન પટેલના પ્રહાર
મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરોધીઓ પર ખુબ ગરજ્યા હતા. નીતિન પટેલે કહ્યું કે, કેટલાક લોકો નો-રિપીટ થીયરીથી ખુશ થયા છે. પણ મેં તો બધુ ભગવાનને સોંપી દીધુ છે. નીતિનભાઈએ કહ્યું કે, જ્યાં રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા પણ હોય છે. એટલું જ નહીં નીતિનભાઈએ તો ત્યાં સુધી કહ્યું કે સમય સમયનું કરે છે કામ. ભૂતકાળમાં પણ મેં આ બધું જોયું છે.
મહેસૂલ વિભાગમાં બાબુશાહીની ખેર નહીં
નવી સરકાર નવી ઉર્જાના નારાને બુલંદ બનાવવા બેદરકાર અધિકારીઓની હવે ખેર નહીં. મહેસૂલ અને કાયદા વિભાગના મંત્રી તરીકેનો ચાર્જ સંભાળતા જ રાજેંદ્ર ત્રિવેદીએ બાબૂ રાજના ખાત્માના સંકેત આપ્યા છે. એક અથવા બીજું બહાનું આગળ ધરી ખેડૂતો અને જમીન માલિકોના કેસનો નિકાલ ન કરનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની સૂચના આપવાની સાથે સાથે ખુદ જ કલેક્ટર ઓફિસ જઈ મહેસૂલિ કેસના નિકાલ થાય તે માટે વધુ સક્રિયતા અને સતર્કતા દાખવવાનું ત્રિવેદીએ નિવેદન આપ્યું.
એટલું જ નહીં જમીનના સર્વેમાં થયેલી ક્ષતિઓનો વ્યવહારૂ ઉકેલ કરવાની પણ ત્રિવેદીએ વાત કરી છે. કોર્ટમાં કેસ ચાલવામાં પણ ત્વરિતતા આવે તે અર્થે પણ સરકારી વકિલોને સૂચનાઓ અપાઈ છે. સાથે જ સાક્ષિઓને ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે આયોજન કરવા અને સાક્ષીઓને બિનજરૂરી અદાલતોમાં ન બોલાવવા પણ સૂચના અપાઈ છે. જરૂર વગર સાક્ષીઓને બોલાવી ધક્કા ખવડાવનાર સરકારી વકીલોને ત્રિવેદીએ ચેતવણી આપી છે.