અખિલ ભારતીય કોળી સમાજના બે પ્રમુખોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો, કુવંરજીના નિવેદન પર અજિત પટેલે કર્યો પલટવાર
રવિવારે કામરેજ ખાતે મળેલી જનરલ સભામાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું અજિત પટેલ જણાવી રહ્યા છે.
અખિલ ભારતીય કોળી સમાજના બે પ્રમુખોનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.જેમાં અજિત પટેલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે કુંવરજી બાવળિયા વિધાનસભાની ટીકીટ માટે હવાતિયા મારી રહ્યા છે.કુંવરજી બાવળિયાને ફરી કેબિનેટ મંત્રી બનવું છે,એટલે હવાતિયા મારી રહ્યા છે.કોળી સમાજ એમને જવાબ આપશે.
કુંવરજીને પ્રમુખપદેથી બરતરફ કરાયા
અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના પ્રમુખ પદને લઈને લાંબા સમયથી ચાલતા આવેલા વિવાદને લઈને રવિવારે કામરેજ ખાતે મળેલી જનરલ સભામાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું અજિત પટેલ જણાવી રહ્યા છે. આ વિવાદ સંદર્ભે હાલના પ્રમુખ અજિત એન.પટેલે માહિતી આપતા જણાવ્યુ હતું,
“કુંવરજી બાવળિયા ત્રણ ટર્મ સુધી સમાજના પ્રમુખ રહ્યાં બાદ 10 જૂન 2020ના રોજ તેમનો કાર્યકાર પૂર્ણ થતો હોવા છતાં એક વર્ષ માટે કાર્યકાર લંબાવ્યા બાદ 10 જૂન 2021ના રોજ કાર્યકાર પૂર્ણ થયા બાદ પ્રમુખ ન હોવા છતાં પોતાને પ્રમુખ માની મનસ્વી રીતે સંગઠનની ખોટી રીતે કામગીરી કરતાં આવ્યા છે.”
કુંવરજી પર સમાજ વિરોધી પ્રવૃત્તિનો આરોપ
કુંવરજી બાવળિયા સામે આક્ષેપ કરાયો છે કે, અજમેર ખાતે જનરલ સભા બોલાવવાનો વિરોધ કરી સદર સભા દિલ્હી ખાતે બોલાવવાની ખોટી જીદ કર્યા બાદ તેઓ સતત સમાજ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા. સાથે જ મનસ્વી રીતે દિલ્હી ખાતે બેઠક બોલાવી કેટલાક માનીતા લોકોને હાજર રાખી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલાનું ખોટું ચલાવતા હતા.
આટલું જ નહીં અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવણી કાર્યક્રમનો પણ તેમણે વિરોધ કર્યો હતો. ત્યારે સમાજના પ્રમુખ પદે રહીને કુંવરજી બાવળિયા ભાજપ પક્ષમાં મંત્રી સુધીનો માન મોભો મેળવ્યા બાદ પણ સમાજ વિરોધી પ્રવૃત્તિ કરવાની બાબતને અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના હોદ્દેદારો સાથે સમાજના આગેવાનોએ ખુબ જ ગંભીરતાથી લીધી હતી.
કામરેજ ખાતે કુંવરજીના વિરોધમાં ઠરાવ પસાર કરાયો
અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીનો 14 તારીખને શનિવારે કામરેજ ખાતે યોજાયેલ સુવર્ણ જયંતિ મહોત્સવમાંની પત્રિકામાંથી પણ કુંવરજી બાવળિયાનું સંગઠનના પ્રમુખ તરીકે નામ દૂર કરાયું હતું અને તેમના સ્થાને અજિત એન.પટેલને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બતાવ્યા હતા.
રવિવારે અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીની કામરેજ ખાતે મળેલી જનરલ સભાનો મુખ્ય એજન્ડા પણ કુંવરજી બાવળિયા બાબતે નિર્ણય લેવાનો રાખવામાં આવ્યો હતો. તેમને અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના પ્રમુખ પદેથી દૂર કરવાનો ખાસ ઠરાવ કરી નિર્ણય લેવાયો હતો.