Cyclone Biparjoy : અમરેલીના જાફરાબાદના દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા, 29 ગામોને કરાયા એલર્ટ
વાવાઝોડાને પગલે કચ્છ-સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
કચ્છઃ બિપરજોય વાવાઝોડુ આજે કચ્છના દરિયા કિનારા પર ટકરાશે. વાવાઝોડુ જખૌના દરિયાકાંઠેથી માત્ર 200 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી 220 કિ.મી, નલિયાથી 225 કિ.મી, પોરબંદરથી 290 કિ.મી દૂર છે. વાવાઝોડાની ઝડપ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની છે. વાવાઝોડાના સમયે 120થી 145 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાને પગલે કચ્છ-સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યાથી વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થશે. વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે ટકરાવવાનો અંદાજ છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડાની અસર થઇ ગઇ છે. દરિયામાં ભારે પવનના કારણે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. અમરેલી, જખૌ, માંડવી, દ્વારકા, ગીર સોમનાથના દરિયામા ઉંચા મોજા ઉછળી રહ્યો છે.અમરેલીમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જાફરાબાદના દરિયાકાંઠે ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જાફરાબાદ કાંઠા વિસ્તારના 29 ગામોને એલર્ટ કરાયા છે.
વાવાઝોડુ કચ્છના જખૌમાં ટકરાશે. જખૌ આસપાસના ત્રણ ગામના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ત્રણ ગામના 450 લોકોને સુરક્ષિત ખસેડાયા હતા. જખૌ પર સામાન્ય લોકોના જવા પર પ્રતિબંધ મુકાયો છે. કચ્છ જિલ્લાની તમામ પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે. માંડવી આસપાસના વિસ્તારની પવનચક્કીઓ પણ બંધ કરાઇ હતી. વાવાઝોડાની અસર ગીર સોમનાથના દરિયામાં પણ જોવા મળી રહી છે. નવલખી બંદર ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને તમામ અવરજવર પર પણ પ્રતિબંધ લગાવાયો છે. હાલ નવલખી દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. બંદર પર ૧૦ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.
IMD અનુસાર, ચક્રવાતી તોફાન બિપરજોય ગુરુવારે સાંજે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ પાકિસ્તાનના કરાચી નજીકથી પસાર થશે. આ દરમિયાન પવનની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે. 6 જૂને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સર્જાયું હતું ત્યારથી બિપરજોય સતત ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું અને મજબૂત થઈ રહ્યું હતું અને 11 જૂને તે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું. જેની પવનની ઝડપ 160 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે વધી રહી હતી પરંતુ એક દિવસ બાદ તેની તીવ્રતા ઘટી ગઈ હતી.
અત્યાર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 74 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરીને અસ્થાયી શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. એકલા કચ્છ જિલ્લામાં આશરે 34,300 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જામનગરમાં 10,000, મોરબીમાં 9,243, રાજકોટમાં 6,089, દેવભૂમિ દ્વારકામાં 5,035, જૂનાગઢમાં 4,604, પોરબંદર જિલ્લામાં 3,469 અને ગીર સોમનાથ જિલ્લામાં 1605 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.