લોકસાહિત્યકાર દેવાયત ખવડને લાગ્યો મોટો ઝટકો! કોર્ટે જામીન રદ કર્યા
લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેવાયત ખવડના જામીન રદ કરવામાં આવ્યા છે.

ગીર સોમનાથ: લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેવાયત ખવડના જામીન રદ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જામીનના વિરોધમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જ્યારે દેવાયત ખવડના વકીલ દ્વારા જામીન રદ કરવા માંગ પર કોઈ વિરોધ નોંધાવવામાં આવ્યો નહોતો.
પોલીસ તરફથી દલીલ કરવામાં આવી હતી કે દેવાયત ખવડ સામે ગંભીર આરોપો છે અને તેઓ જામીન પર છૂટશે તો તપાસમાં અડચણ આવી શકે છે. ત્યારબાદ કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે લોકસાહિત્યકાર દેવાયત ખવડ આવતા સમયમાં તાલાલા પોલીસ મથકે હાજર થાય તેવા મીડિયા અહેવાલો છે.
આ પહેલા 7 આરોપીઓના વેરાવળની નીચલી કોર્ટે જામીન મંજૂર કર્યા હતા
લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાથે સંકળાયેલા વિવાદાસ્પદ કેસમાં વેરાવળની કોર્ટે 18 ઓગસ્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલા આ કેસમાં દેવાયત ખવડ સહિત કુલ 7 આરોપીઓના વેરાવળની નીચલી કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. જોકે તે સમયે પોલીસ દ્વારા દાખલ કરાયેલા પોલીસ રિમાન્ડની માંગને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. આ કેસમાં તમામ આરોપીઓને રુપિયા 15,000 જમાનત રકમના આધારે જામીન પર મૂક્ત કરવાની શરત રાખવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો
દેવાયત ખવડ વિરુદ્ધ કેસ ત્યારે નોંધાયો હતો, જ્યારે સોશિયલ મીડિયા પર એવી વાત ફેલાઈ કે દેવાયત ખવડ અને તેના સાથીઓએ જાહેર સ્થળે ઝઘડો કર્યો હતો અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બાદમાં ગીર સોમનાથ પોલીસ દ્વારા દેવાયત ખવડ અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસની સુનાવણી વેરાવળની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ. જાનીની અદાલતમાં હાથ ધરાઈ હતી. પોલીસ તરફથી દેવાયત અને અન્ય આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. પરંતુ આરોપી પક્ષના વકીલે પોલીસની માગણી સામે જોરદાર વાંધો નોંધાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આરોપીઓને તેમની ધરપકડના કારણો અંગે જાણ કરવામાં નથી આવી, જે બંધારણના આર્ટિકલ 22(b)નું ઉલ્લંઘન છે. આ સાથે જ વધુમાં, સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને તેમણે આરોપીઓને જામીન આપવાની માગ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 18 ઓગસ્ટે ચૂકાદો આપ્યો હતો. જેમાં કુલ 7 આરોપીઓને જામીન પર મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને રિમાન્ડ ફગાવી દેવામાં આવ્યા હતા.





















