હીરાની મંદીએ ફરી એક યુવાનનો જીવ લીધો, નવસારીમાં બેરોજગારીથી કંટાળી રત્નકલાકારે નદીમાં કૂદી આપઘાત કર્યો
જલાલપુરમાં રહેતા ૩૪ વર્ષીય જીગર ભંડેરીએ પૂર્ણ નદીમાં છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું, સુરત બાદ નવસારીમાં પણ હીરા ઉદ્યોગની કફોડી હાલત.

Diamond Industry Crisis: નવસારી જિલ્લામાં હીરા ઉદ્યોગની ચાલી રહેલી કારમી મંદીએ વધુ એક યુવાનનો ભોગ લીધો છે. જલાલપુર તાલુકામાં રહેતા ૩૪ વર્ષીય જીગર ભંડેરી નામના યુવકે હીરાના કારખાનામાં કામ ન મળતા અને બેરોજગારીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. જીગરે પોતાના જીવનનો અંત લાવવા માટે જલાલપુર નજીક આવેલી પૂર્ણ નદીમાં છલાંગ લગાવી દીધી હતી.
મળતી માહિતી મુજબ, જીગર ભંડેરી જલાલપુરમાં હીરા પોલિશિંગનું કામ કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી હોવાથી તેને કામ મળવાનું બંધ થઈ ગયું હતું. લાંબા સમય સુધી બેરોજગાર રહેવાના કારણે તે હતાશ થઈ ગયો હતો અને આખરે તેણે આ અંતિમ પગલું ભરી લીધું. જીગરના આ પગલાથી તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
સુરત બાદ હવે નવસારીમાં પણ હીરા ઉદ્યોગની મંદીને કારણે પરિસ્થિતિ ખૂબ જ કપરી બની ગઈ છે. નવસારી જિલ્લાના અનેક રત્ન કલાકારો કામ વગર બેસી રહેવા માટે મજબૂર બન્યા છે. ઘણા કારીગરોએ તો આ મંદીથી કંટાળીને પોતાના વતનની વાટ પકડી છે, જ્યારે કેટલાક લોકોએ પોતાનો પરંપરાગત વ્યવસાય છોડીને અન્ય કામ શોધવાની ફરજ પડી છે.
હીરા ઉદ્યોગમાં મંદીના કારણે માત્ર કારીગરો જ નહીં પરંતુ તેમની સાથે જોડાયેલા અન્ય નાના મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
જીગર ભંડેરીની આત્મહત્યાની ઘટનાએ હીરા ઉદ્યોગમાં મંદીની ગંભીરતાને ફરી એકવાર ઉજાગર કરી છે. સરકાર અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં કોઈ યુવાને આ રીતે પોતાનો જીવ ગુમાવવો ન પડે. હાલમાં તો જલાલપુર પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
નોંધનીય છે કે, સુરતનો હીરા ઉદ્યોગ હાલમાં ખૂબ જ ગંભીર મંદીનો સામનો કરી રહ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં રફ હીરાની આયાતમાં મોટો ઘટાડો થયો છે. કુદરતી હીરાની માંગ વૈશ્વિક સ્તરે ઘટી છે, જેના ઘણા કારણો છે, જેમાં વૈશ્વિક મંદી અને લેબગ્રોન ડાયમંડનો વધતો ઉપયોગ મુખ્ય છે. છેલ્લા બે વર્ષથી મંદી હોવા છતાં હજુ સુધી તેજી જોવા મળી નથી, જે હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. આના કારણે હીરા ઉદ્યોગકારોને નાણાકીય નુકસાન થઈ રહ્યું છે. વિશ્વભરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ અને રફ ડાયમંડ પરના પ્રતિબંધોએ પણ પરિસ્થિતિને વધુ ખરાબ કરી છે. હાલમાં રિયલ ડાયમંડનો વેપાર ખૂબ જ ઓછો થઈ ગયો છે અને આ મંદીનો સમયગાળો ખૂબ લાંબો હોવાથી ઉદ્યોગ માટે ચિંતાજનક બાબત છે.





















