શું ચૂંટણીને કારણે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યું ? જાણો મુખ્યમંત્રી રૂપાણીએ શું કર્યો બચાવ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વકર્યો છે અને રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે.
કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે સોશલ ડિસ્ટંસિગના નિયમોનું પાલન કરી સતર્ક રહેવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને અપીલ કરી છે. જેટલા કેસ રોજના આવી રહ્યા છે, તેનાથી પાંચ ગણા બેડ તૈયાર રાખવાની સરકારે આરોગ્ય વિભાગને સૂચના પણ આપી છે. જો કે સંક્રમણ વધવાનું કારણ ચૂંટણીઓ હોવાની ચર્ચાથી વિપરીત પ્રચાર સમયે તમાશા કરનાર રાજકિય પક્ષોનો મુખ્યમંત્રીએ પરોક્ષ રીતે બચાવ કર્યો છે.
જે રાજ્યોમાં ચૂંટણી ન હતી, તે રાજ્યમાં પણ વધુ સંક્રમણ ફેલાયું હોવાનો દાવો કરી મુખ્યંત્રીએ નેતાઓનો બચાવ કર્યો છે. ભીડ એકઠી થતી હોય તેવા ઠેકાણે એટલે કે મોલ, મલ્ટીપ્લેક્ષ શનિ-રવિ પૂરતા બંધ રખાયા હોવાનું જાણાવી વધારાના પ્રતિબંધો નહી લગાવાના સંકેત પણ આપ્યા છે. સાથે જ વિધાનસભાનું બજેટ સત્ર સોશલ ડિસ્ટંસિગના નિયમોના પાલન સાાથે નિયત સમયે જ પૂર્ણ થવાના સંકેત આપ્યા છે. 4 મહાનગરોમાં લાગેલા રાત્રી કર્ક્યૂ સિવાય કોઈ પણ પ્રકારના દિવસે કર્ફ્યૂ કે લોકડાઉન લગાવાના આયોજનથી મુખ્યમંત્રીએ સ્પષ્ટ ઈનકાર કર્યો છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વકર્યો છે અને રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવાઓ ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતને નકારી હતી.
શુક્રવારે રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા અને 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27 ટકા પર પહોંચ્યો છે. હાલ 6147 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે નોંધાયેલ અમદાવાદ કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4437 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.