સુરત-અમદાવાદમાં રોગચાળો વકર્યો, સુરતમાં 72 કલાકમાં 6 લોકોના મોત
પૂર્વ અમદાવાદના વટવા વોર્ડમાં કોલેરોના છ, ઈન્દ્રપુરી વોર્ડમાં કોલેરાના ત્રણ, ઈસનપુર વોર્ડમાં ચાર, તો લાંભા વોર્ડમાં કોલેરાના બે બે કેસ નોંધાયા છે.
સુરત શહેરમાં રોગચાળાના વધતા કેસથી ચિંતામાં વધારો થયો છે. કેમ કે છેલ્લા 72 કલાકમાં છ લોકોએ રોગચાળાએ જીવ ગુમાવ્યા છે. જેમાં ત્રણ તો બાળકોનો સમાવેશ થાય છે. આ સાથે છેલ્લા એક મહિનામાં રોગચાળાથી મૃત્યુનો આંક 28 પર પહોંચ્યો છે. સુરતમાં છેલ્લા 12 દિવસમાં ડાયરિયાના 38, મેલેરીયાના સાત, તાવના 76, ડેન્ગ્યુના 24, ગેસ્ટ્રોના 38 કેસ નોંધાયા છે. તો વધતા કેસના કારણે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલ પણ હાઉસફૂલ થઈ રહી છે.
વરસાદના વિરામ બાદ અમદાવાદમાં સતત વકરી રહ્યો છે. મચ્છરજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના દરેક વોર્ડમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ સરખેજમાં ડેન્ગ્યુના 55 કેસ નોંધાયા છે. તો ગોતા, ચાંદલોડીયા, થલતેજ સહિત બોડકદેવ વોર્ડમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ નોંધાતા આ તમામ વોર્ડ વિસ્તાર ડેન્ગ્યુ માટેના હોટસ્પોટ બન્યા છે.
પૂર્વમાં રામોલ, નિકોલ ઉપરાંત વટવા, ખોખરા અને બહેરામપુરા, લાંભા વોર્ડમાં પણ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓગષ્ટ મહિનામાં શહેરમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 243 કેસ નોંધાયા છે. તો મેલેરિયાના 70 કેસ જ્યારે ઝેરી મેલેરિયાના અને ચિકનગુનિયાના પાંચ પાંચ કેસ નોંધાયા છે.
પૂર્વ અમદાવાદના વટવા વોર્ડમાં કોલેરોના છ, ઈન્દ્રપુરી વોર્ડમાં કોલેરાના ત્રણ, ઈસનપુર વોર્ડમાં ચાર, તો લાંભા વોર્ડમાં કોલેરાના બે બે કેસ નોંધાયા છે. પાણીજન્ય જેવા કે ઝાડા ઉલ્ટીના 481, ટાઈફોઈડના 313 અને કમળાના 76 કેસ પણ નોંધાયા છે.
રાજકોટમાં ફરી એકવાર ઘરે ઘરે વાયરલ તાવ, શરદી, ઉધરસ અને ડેન્ગ્યૂના કેસ જોવા મળ્યા છે. ખાસ વાત છે કે, વરસાદી વિરામની વચ્ચે શહેરમાં વાદળીયું વાતાવરણ છવાયુ છે, આ કારણે ડબલ ઋતુ થવાથી રોગચાળાની શરૂઆત થઇ છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય કેન્દ્રમાં જ નહીં પરંતુ ખાનગી સારવાર લઇ રહેલા શરદી, તાવ અને ડેન્ગ્યૂના દર્દીઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
ગાંધીનગરમાં પણ રોગચાળો વધ્યો છે. રોગચાળા પર કાબૂ મેળવવા ગાંધીનગર મહાનગરપાલિકાએ ડ્રોનથી દવાનો છંટકાવ શરુ કર્યો છે. પાટનગર ગાંધીનગર સિવાય રાજ્યમાં રોગચાળાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે ગાંધીનગર મનપાએ જ્યાં પણ મચ્છરોનો સૌથી વધારે ઉપદ્રવ છે. ત્યાં ડ્રોન કેમેરાની મદદથી દવાનો છંટકાવ કર્યો છે. મેયર હિતેશ મકવાણાના જણાવ્યાનુસાર ડ્રોનની મદદથી સમય બચે છે અને નક્કર પરિણામ પણ મળે છે.