Gujarat: ઠેર-ઠેર રેડ કરનારી નકલી ઇડી ટીમનું AAP સાથે શું નીકળ્યુ કનેક્શન, ઇસુદાન ગઢવીએ આપી આવી પ્રતિક્રિયા
Fake ED Team: અબ્દુલ સત્તારની નકલી ઇડી ટીમે સોની વેપારીને દબાવીને તેના પાસેથી નાણાં અને દાગીના પડાવી લીધા હતા
Fake ED Team: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નકલી ઇડી ટીમને લઇને સમાચારો સામે આવી રહ્યાં છે. ગઇકાલે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ બાદ પોલીસે કાર્યવાહી વધુ તેજ કરી દીધી છે, હવે આ પકડાયેલા નકલી ઇડી અધિકારી અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું સામે આવ્યુ છે. આ જે આ નકલી ઇડી ટીમને લઇને મોટો ખુલાસો પણ થયો છે. આજના ખુલાસામાં સામે આવ્યુ છે કે, અબ્દુલ સત્તાર આપને ફન્ડિંગ કરતો હતો.
અબ્દુલ સત્તારની નકલી ઇડી ટીમે સોની વેપારીને દબાવીને તેના પાસેથી નાણાં અને દાગીના પડાવી લીધા હતા. નકલી ઈડીના અધિકારીઓ દ્વારા અહીં ખોટી રેડ પાડી હતી. અમદાવાદ, ભુજ અને ગાંધીધામના 13 લોકોની નકલી ઈડી ટીમમાં સામેલ અમદાવાદની એકમાત્ર મહિલાએ સોનાના દાગીના ચોરી કરી લીધા હતાં. સોની વેપારીને તેની જાણ થઈ જતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ -
પકડાયેલી નકલી ઈડી ટીમમાં આમ આદમી પાર્ટીના એક નેતાઓ સમાવેશ થાય છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષના ટ્વીટ મુજબ આ નકલી ઈડી ટીમનો કેપ્ટન અબ્દુલ સત્તાર ઈશાક માંજોઠી હતો. તેમને x પ્લેટફોર્મ પર લખ્યું કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા! કચ્છમાં પકડાયેલ નકલી ED ટીમ કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યું છે. આ છે કેજરીવાલના શિષ્યોના કુકર્મોનો ખરો પુરાવો!
આપ નેતા ઇશુદાન ગઢવીએ શું કહ્યું -
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, હવે જંગ છેડાઈ ગઈ તો લાંબી ચાલશે. ભાજપના સાંસદ સાથે પણ નકલી EDવાળાના ફોટા છે. ભાજપના સાંસદ સાથે નકલી EDવાળાનો શું સંબંધ છે? હર્ષભાઈ ટ્વિટ કરી ભાગી જાય છે. ટ્વિટ કરીને ભાગી જાઓ એવું ન ચાલે. સમગ્ર બાબતે જાહેરમાં ચર્ચા કરવી જોઈએ. ટ્વિટ કરીને ભાગી જવું ગૃહમંત્રીને ના શોભે.
ટ્વિટર પર પોસ્ટમાં ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, હું હર્ષભાઈ ને કહેવા માગું છું કે તમે ગુજરાતના ગૃહમંત્રી છો તમે ટ્વિટ કરીને ભાગી જાઓ એવું ન ચાલે. તમે જે વ્યક્તિની વાત કરો છો એ વ્યક્તિ તમારા જ સાંસદ સાથે નજીકના સંબંધો ધરાવે છે તમામ અધિકારીઓ સાથે પણ તેના સંબંધો છે એ બાબતે તમે શું કહેશો? તમારે આ સમગ્ર બાબતે જાહેરમાં ચર્ચા કરવી જોઈએ. આવો અને જાહેરમાં ચર્ચા કરો ટ્વિટ કરીને ભાગી જવું ગુજરાતના ગૃહમંત્રીને ના શોભે.
ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું -
આ સમગ્ર મામલે આપના નેતા ગોપાલ ઈટાલિયાએ પણ સળગતા મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપની ટોળકીની ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે. જે વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં નથી પરંતુ જેલમાં છે તેણે કઈ રીતે આજે કે ગઈકાલે કોઈ કબુલાત કરી? દસ દિવસ પહેલા પકડાયેલ નકલી EDના માણસ વિશે આજે ગૃહ મંત્રીને જાણકારી મળે છે કે તે વ્યક્તિએ એસપી, ભાજપ અને આપને પૈસા આપ્યા છે. ગૃહમંત્રી ભાગે નહીં, મારી સાથે ખુલ્લી ડિબેટ કરે.
પૂર્વ કચ્છ પોલીસે નકલી ઈડીના અધિકારી બનેલા 13 પૈકીના 12 લોકોને ઝડપી 22 લાખના દાગીના અને ગુનામાં વપરાયેલી 3 કાર સહિત 45 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. 15 દિવસ પહેલા ચાની હોટલ પર ઈડીના અધિકારી બની ખોટી રેડ પાડવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આયોજન મુજબ ન થતાં અને અમદાવાદથી આવેલા સાગરિતો દ્વારા દગો કરવામાં આવતા પ્લાન ફેલ થયો હતો.
નકલી ED અધિકારી
ભરતભાઈ શાંતીલાલ મોરવાડીયા
દેવાયત વીસુભાઈ
અબ્દુલસતાર ઈશાક માંજોઠી
હિતેષ ચત્રભુજ
વિનોદ ૨મેશ
ઈયુઝીન અગસ્ટીન ડેવીડ
આશિષ રાજેશભાઈ, અમદાવાદ
ચન્દ્રરાજ મોહનભાઈ , ચાંદખેડા, અમદાવાદ
અજય જગન્નાથ દુબે, સાબરમતી અમદાવાદ
અમિત કિશોરભાઈ મહેતા, ચાંદખેડા,અમદાવાદ
નિશા અમિત મહેતા ચાંદખેડા,અમદાવાદ
શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ, અમદાવાદ
ફરાર આરોપીનું નામ : વિપીન શર્મા, અમદાવાદ