દિવાળીની રાત્રે રાજ્યમાં વિવિધ જગ્યાએ આગના બનાવ, પાટણમાં ફટાકડાની લારીમાં લાગી આગ
દિવાળી પર ઈમરજન્સી સેવા 108ને 5389 કોલ મળ્યા હતા. ગયા વર્ષની સરખામણીએ ઈમરજન્સી કોલમાં વધારો થયો હતો

દિવાળીની રાત્રે રાજ્યમાં વિવિધ જગ્યાએ આગના બનાવ બન્યા હતા. રાજકોટ, પાટણ, વડોદરા અને મહેસાણા સહિત અનેક શહેરોમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવાના કારણે આગના બનાવો બન્યા હતા. દિવાળી પર ઈમરજન્સી સેવા 108ને 5389 કોલ મળ્યા હતા. ગયા વર્ષની સરખામણીએ ઈમરજન્સી કોલમાં વધારો થયો હતો. સામાન્ય દિવસોમાં 108ને આવે છે 5199 કોલ આવે છે જ્યારે દિવાળી પર માર્ગ અકસ્માતના કેસમાં વધારો થયો હતો. દિવાળી પર રાજ્યમાં માર્ગ અકસ્માતના 916 બનાવ બન્યા હતા. દિવાળી પર દાઝી જવાના 56 કેસ નોંધાયા હતા. દાઝી જવાના સૌથી વધુ 17 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં દિવાળી પર 35 સ્થળે આગ લાગી હતી. ઝુંડાલ, રાયખડ, સેટેલાઈટમાં આગના બનાવો બન્યા હતા.
રાજકોટના ગોંડલ રોડ પર આગ લાગી હતી. સ્વીગી કંપનીના વેર હાઉસમાં આગ લાગી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. તે સિવાય શહેરના જૂના એરપોર્ટમાં ઘાસમાં આગ લાગી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. નવું એરપોર્ટ શરૂ થતા રાજકોટનું જૂનું એરપોર્ટ બંધ છે.
વડોદરાના તરસાલીમાં ગોડાઉનમાં આગ લાગી હતી. ફટાકડાના તણખાના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. પાટણ શહેરમાં ફટાકડાની લારીમાં આગ લાગી હતી. આનંદ સરોવર ચોકમાં ફટાકડાની લારીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ બાદ ફટાકડા ફૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
કચ્છના અંજાર તાલુકામાં ગૌશાળાના ગોડાઉનમાં આગ લાગી હતી. સતાપર ગામે ગૌશાળાના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. મહેસાણા શહેરમાં ત્રણ સ્થળોએ આગ લાગવાના બનાવ બન્યા હતા. રાધનપુર રોડ, સોમનાથ રોડ અને કસ્બામાં આગ લાગી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. ફટાકડાના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. મહેસાણાના પરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. ફટાકડા ફોડવા બાબતે ધીંગાણું થયાનો આરોપ છે. 3 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
અમદાવાદના ઝુંડાલ વિસ્તારમાં આગ લાગી હતી. ખુલ્લા પ્લોટમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો હતો. ફટાકડાનું તણખલું પડવાના કારણે આગ લાગ્યાનું અનુમાન છે.
હૈદરાબાદમાં દિવાળીની ખુશીઓ આંખો માટે આફત બની ગઈ હતી. ફટાકડા ફોડતી વખતે 19 લોકોને આંખોમાં અસર થઈ હતી. આંખોમાં ઈજા અને બળતરા કારણે તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.





















