ગુજરાતના આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં આજથી ફરી અન્નક્ષેત્ર ધમધમતું થશે, ભાવિકો લઈ શકશે પ્રસાદીનો લાભ
અન્નક્ષેત્રમાં પ્રસાદનો સમય સવારે ૧૦ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી અને સાંજે સાડા 6 વાગ્યાથી રાત્રીના સાડા આઠ વાગ્યા સુધીનો રહેશે.
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર (Jalaram Temple) માં આજથી ફરી અન્નક્ષેત્ર ધમધમતું થશે. આજથી ભાવિકો માટે અન્નક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેરને લઈને સંક્રમણ વધે નહિ તે માટે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરાયું હતું. જો કે બાદમાં કોરોનાના કેસો ઘટતા સોશલ ડિસ્ટન્સ અને કોવિડ નિયમોને આધીન 14 જૂનથી શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લુ મુકાયું હતું. પરંતુ અન્નક્ષેત્ર બંધ હતું.
જો કે આજથી ફરી અન્નક્ષેત્ર ધમધમતુ થશે. અન્નક્ષેત્રમાં પ્રસાદનો સમય સવારે ૧૦ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી અને સાંજે સાડા 6 વાગ્યાથી રાત્રીના સાડા આઠ વાગ્યા સુધીનો રહેશે. દરેક દર્શનાર્થીઓએ સૌ પ્રથમ રજિસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવી સેનેટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ લઈ શકશે. સાથે જ માસ્ક પહેરવું પણ ફરજિયાત છે. ભાવિકો દર્શન કરી જલારામ બાપાનો પ્રસાદ લઇ શકશે.
નોંધનીય છે કે, વીરપુરનું સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિર તારીખ 14 જૂનથી દર્શન માટે ખુલ્લુ મુકાયું છે. અગાઉ 11 એપ્રિલથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે યાત્રાધામ વીરપુર જલારામ બાપાનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીની બીજી લહેરને લઈને પૂજ્ય શ્રી જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે 14 જૂન સોમવારથી ભક્તો માટે પૂજ્ય જલારામબાપાના મંદિરના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યું હતું.
સરકારી નિયમોને આધીન ભક્તો દર્શન કરી શકશે. દર્શનાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી ટોકન સિસ્ટમથી પૂજ્ય બાપાના દર્શન કરી શકશે. દર્શનનો સમય સવારે ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ થી સાંજના ૭ વાગ્યા સુધીનો રહેશે. જોકે, ભક્તોને સવાર-સાંજની આરતીમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. સાથે જ દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે આજે એટલે કે 5 જુલાઈથી અન્નક્ષેત્ર ફરીથી શરૂ થશે.