અનોખી પરંપરા! દાહોદમાં ગાય ગૌહરી મહોત્સવ: ગૌધનના ધણ નીચે સૂઈને પાપની ક્ષમા માંગે છે આદિવાસી સમુદાય, જુઓ Video
Gai Gauhari Mahotsav Dahod: દાહોદ જિલ્લાના ગરબાડા, ગાંગરડી, અભલોડ અને લીમડી સહિતના વિસ્તારોમાં નવા વર્ષના દિવસને ગાય ગાયહરીની ઉજવણી સાથે આવકારવામાં આવે છે.

Gai Gauhari Mahotsav Dahod: ગુજરાતના દાહોદ જિલ્લામાં નવા વર્ષના દિવસે ગાય ગૌહરી મહોત્સવ ની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે, જે આદિવાસી સમાજ ની એક અનોખી સંસ્કૃતિનું પ્રતીક છે. આ ઉત્સવમાં ખેડૂતો પોતાના પશુધનને આકર્ષક રીતે શણગારે છે, જેમાં મોરપીંછ, ઘૂઘરા અને વિવિધ રંગોનો ઉપયોગ થાય છે. આ પર્વની સૌથી દિલધડક વિધિ એ છે કે, લોકો દોડતા ગાયોના ધણની નીચે સૂઈ જાય છે અને ગાયોને તેમના શરીર પરથી પસાર થવા દે છે. આદિવાસી સમાજમાં એવી માન્યતા છે કે આખા વર્ષ દરમિયાન ખેતીના કામોમાં પશુઓ પાસે કરાવેલ કામ અથવા તેનાથી થયેલી ભૂલ માટે માફી માગવા અને પાપમાંથી મુક્ત થવા આ પ્રાયશ્ચિત કરવામાં આવે છે. આ અદ્ભુત અને જોખમી દ્રશ્ય નિહાળવા માટે દેશ-વિદેશથી પણ લોકો દાહોદ આવે છે.
નવા વર્ષે પશુધનનો શણગાર અને ઉત્સવની શરૂઆત
દાહોદ જિલ્લાના ગરબાડા, ગાંગરડી, અભલોડ અને લીમડી સહિતના વિસ્તારોમાં નવા વર્ષના દિવસને ગાય ગૌહરીની ઉજવણી સાથે આવકારવામાં આવે છે. આ પર્વ માટે ખેડૂતોમાં અનેરો ઉત્સાહ હોય છે, અને તેઓ પોતાના પશુધનને વિશેષ રીતે શણગારે છે. ગાયોને અલગ અલગ રંગોથી સજાવવામાં આવે છે, તેમના ગળામાં મોરિંગા મોરપીંછ અને પગમાં ઘૂઘરા બાંધવામાં આવે છે, અને તેમના પર મહેંદી પણ કરવામાં આવે છે. ખેડૂતો આ શણગાર પાછળ આશરે ₹2,000 સુધીનો ખર્ચો કરે છે.
શણગાર પછી, નવા વર્ષના દિવસે બજારમાં આવેલા માતાજીના મંદિરમાં અન્નકૂટ આરતી કરીને આ ગાય ગૌહરી ઉત્સવની શરૂઆત થાય છે. ઢોલ-નગારાના તાલે અને આતશબાજી ના ધમાકા વચ્ચે સજાવેલા પશુઓને શહેરની બજારોમાં દોડાવવામાં આવે છે, જ્યાંથી આ દિલધડક પરંપરાની શરૂઆત થાય છે.
ગૌહરી: ગાયોના ચરણોમાં માફી માગવાની પરાકાષ્ઠા
ગાય ગૌહરી મહોત્સવનું સૌથી મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક પાસું એ છે કે, આદિવાસી સમાજના લોકો દોડતા પશુધનના ધણની નીચે રસ્તાની વચ્ચે આડા સૂઈ જાય છે અને ગાયોને પોતાના શરીર પરથી પસાર થવા દે છે. આ દિલધડક નજારો જોવો એ એક અવિસ્મરણીય અનુભવ છે.
આ પરંપરા પાછળની માન્યતા ઘણી ઊંડી છે. આદિવાસી ભાઈ-બહેનોમાં એવી માન્યતા છે કે આખા વર્ષ દરમિયાન ખેતી અને અન્ય કામો માટે પશુઓ પાસેથી જે કંઈ પણ કામ લેવાયું હોય અથવા ખેતી દરમિયાન અજાણતાં જીવ હત્યા કે કોઈ પશુધનને તેમના થકી હિંસા થઈ હોય, તેના પ્રાયશ્ચિત્તરૂપે તેઓ નવા વર્ષના દિવસે આ રીતે દંડવત્ પ્રણામ કરીને ગાયોના ચરણોમાં માફી માંગે છે. તેઓ માને છે કે આ પ્રાયશ્ચિત્ત કરવાથી તેઓ પોતાના પાપમાંથી મુક્ત થઈ શકે છે અને નવું વર્ષ સારું પસાર થશે. ગાયમાતા પરના અતુટ વિશ્વાસ ના કારણે ગૌહરી પડનાર વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી, અને ગાયવંશનું ટોળું તેમની ઉપરથી પસાર થયા બાદ તેઓ ધન્યતા અનુભવે છે. આ ઉત્સવને જોવા માટે માત્ર ગુજરાત રાજ્યમાંથી જ નહીં, પરંતુ દેશ અને વિદેશથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.




















