Geniben Thakor in Mehsana: "ગુજરાતમાં ખાતર શોધવા જવું પડે છે, પણ દારૂની તો ખેતરમાં હોમ ડિલિવરી થાય છે", ગેનીબેનના સરકાર પર આકરા પ્રહાર
Geniben Thakor: ગાંધીના ગુજરાતમાં ગાંધીના વિચારો નહીં પણ 'ગાંધીવાળી નોટો' ચાલે છે: જન આક્રોશ સભામાં કોંગ્રેસ સાંસદનો પોલીસ અને તંત્ર પર વેધક કટાક્ષ.

Geniben Thakor Mehsana speech video: મહેસાણામાં યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ સભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાતમાં દારૂબંધીની વાસ્તવિકતાને ખુલ્લી પાડતા તેમણે કટાક્ષ કર્યો હતો કે, રાજ્યમાં ખેડૂતોને ખેતી માટે ખાતર મેળવવા ધક્કા ખાવા પડે છે, પરંતુ દારૂ તો માત્ર 500 મીટરના અંતરે હોમ ડિલિવરીથી મળી જાય છે. તેમણે પોલીસ તંત્ર પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે અહીં ગાંધીના વિચારો નહીં, પરંતુ 'ગાંધીવાળી નોટો'નું શાસન ચાલે છે, જેના કારણે બુટલેગરો બેફામ બન્યા છે.
ખાતરની અછત સામે દારૂની રેલમછેલ
પોતાના આગવા અંદાજમાં ભાષણ આપતા ગેનીબેન ઠાકોરે સરકારની વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને જ્યારે ખાતરની જરૂર હોય છે, ત્યારે તેમને ખરીદ વેચાણ સંઘ કે સેવા મંડળીઓ સુધી 2 થી 5 કિલોમીટર લાંબા થવું પડે છે અને તેમ છતાં ખાતર મળતું નથી. તેની સામે દારૂની સુવિધા એવી છે કે તે 1 કિલોમીટર કે 500 મીટરના દાયરામાં સરળતાથી ઉપલબ્ધ છે. શાસન વ્યવસ્થા એવી થઈ ગઈ છે કે જરૂરી વસ્તુઓ માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે અને પ્રતિબંધિત વસ્તુઓ હાથવગી છે.
ખેતરમાં 'લોકેશન' મોકલો એટલે દારૂ હાજર!
દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા સાંસદે દાવો કર્યો હતો કે હવે તો દારૂની હોમ ડિલિવરી પણ શરૂ થઈ ગઈ છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, રાત્રે ખેતરમાં પાણી વાળતા ખેડૂતો જો માત્ર તેમનું મોબાઈલ પરથી 'લાઇવ લોકેશન' મોકલી દે, તો બુટલેગરો ખેતર સુધી દારૂની ડિલિવરી કરવા પહોંચી જાય છે. આ સ્થિતિ દર્શાવે છે કે રાજ્યમાં દારૂનું નેટવર્ક કેટલું સક્રિય અને બેખૌફ બની ગયું છે.
પોલીસની કામગીરી પર સવાલ: "માત્ર ટાર્ગેટ પૂરો થાય છે"
પોલીસની કાર્યપદ્ધતિ પર આક્ષેપ કરતા ગેનીબેને જણાવ્યું હતું કે, પોલીસ દારૂ પીનારા સામાન્ય લોકો પર કેસ કરીને માત્ર પોતાના આંકડાકીય ટાર્ગેટ પૂરા કરે છે. બીજી તરફ, દારૂ વેચનારા, ડ્રગ્સના મોટા સોદાગરો અને સપ્લાયરોને છાવરવામાં આવે છે અથવા જવા દેવામાં આવે છે. હપ્તાખોરીના કારણે મોટા માથાઓ પર કોઈ કાર્યવાહી થતી નથી, માત્ર નાના માણસો જ કાયદાની ચુંગાલમાં ફસાય છે.
"ગાંધીવાળી નોટો આપો અને છૂટ મેળવો"
પોતાના સંબોધનના અંતે ગેનીબેને ભ્રષ્ટાચાર પર સીધો ઘા કર્યો હતો. તેમણે કહ્યું કે, "આપણે કહીએ છીએ કે આ ગાંધીનું ગુજરાત છે અને અહીં ગાંધીજીના વિચારો ચાલે છે. પરંતુ વાસ્તવમાં આ લોકોને ગાંધીના વિચારો સાથે કોઈ સ્નાનસૂતકનો સંબંધ નથી. તેમને માત્ર 'ગાંધી બાપુના ફોટાવાળી નોટો' સાથે જ લેવાદેવા છે." તેમણે કટાક્ષ કર્યો કે એકવાર તમે ગાંધીવાળી નોટો આપી દો, પછી તમારે જેમ કરવું હોય તેમ કરવાની છૂટ મળી જાય છે. સરકાર અને પોલીસ તંત્ર ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો તેમણે ખુલ્લો આક્ષેપ કર્યો હતો.





















