રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે આનંદના સમાચાર, એફિડેવિટ મુદ્દે સરકારે લીધો મોટો નિર્ણય
ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓને ગૃહ વિભાગે આપેલા વિવિધ ભથ્થાઓ અને પગારા વધારાની જાહેરાત બાદ દરેક પોલીસ કર્મચારીઓને એફિડેવિટ કરવા માટે નિર્ણય લેવાયો હતો
Gujarat Police Affidavit: ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓને ગૃહ વિભાગે આપેલા વિવિધ ભથ્થાઓ અને પગારા વધારાની જાહેરાત બાદ દરેક પોલીસ કર્મચારીઓને ફરજીયાત એફિડેવિટ કરવા માટે નિર્ણય લેવાયો હતો. જો કે, હવે સરકારે કરેલા આ એફિડેવિટના ઠરાવને રદ્દ કર્યો છે. જે મુજબ હવે પોલીસ કર્મચારીઓએ કોઈ એફિડેવિટ કરવું નહી પડે.
ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ મોટી જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ 1 ઓગસ્ટથી આ પગાર વધારો લાગુ કરી દેવાયો હતો. જો કે, આ વધારો આપ્યા બાદ સરકારે પોલીસ કર્મચારીઓને ફરજીયાત એફિડેવિટ કરવાનો આદેશ કર્યો હતો. આ મુજબ દરેક પોલીસ કર્મચારીએ પગારમાં વધારાની માંગ ના કરી શકે. સરકારના આ આદેશનો સોશિયલ મીડિયામાં વિરોધ કર્યો હતો.
ત્યારે હવે રાજ્યના પોલીસકર્મીઓ માટે સરકારે મોટો નિર્ણય કરતાં એફિડેવિટ નહીં આપવું પડે તેવી જાહેરાત કરી છે. અગાઉ સરકારે જાહેર કરેલા ભથ્થા પર એફિડેવિટનો નિર્ણય કર્યો હતો. વિવાદ બાદ સરકારે સત્તાવાર રીતે નવો ઠરાવ જાહેર કર્યો છે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ગ્રેડ પે અને સ્પેશિયલ પેકેજને લઈને બે દિવસ પહેલાં જ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌથી વધુ ભંડોળ આપવામાં આવ્યું છે. પોલીસના સ્ટાફને અલગ દિશામાં લઇ જવામાં આવે છે. તેમણે પોલીસ એફિડેવિટના મામલે પણ રિએક્શન આપ્યું હતું અને કહ્યું હતું કે, એફિડેવિટ કાઢવા માટે નાણાં વિભાગે કહ્યું છે. જો નાણાં વિભાગ મંજૂરી આપશો તો અમે જરૂરી એફિડેવિટ કાઢી નાંખશું. ત્યારે આજે 12 સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ઠરાવ કરીને એફિડેવિટ કરાવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે.
આ પહેલાં પબ્લિક સિક્યેરીટી અલાઉન્સમાં એફિડેવીટ કરવાના મામલે નારાજ પોલીસ કર્મીઓને સમજાવવા આદેશ અપાયો હતો. એડિશનલ ડિજી લો એન્ડ ઓર્ડર નરસીમ્હા કોમારે તમામ કમિશનર, રેંજ આઈજી, એસપી તથા કમાંડંટને આદેશ કર્યો હતો.
આ પણ વાંચો....