(Source: ECI/ABP News/ABP Majha)
કચ્છના આ વિસ્તારમાં પાણીની સમસ્યા થશે દૂર, નર્મદાના નીર માટે 1550 કરોડ રૂપિયાની યોજના તૈયાર
ગાંધીનગર: કચ્છને રાજ્ય સરકાર તરફથી વધુ એક ભેટ મળવા જઈ રહી છે. દૂધઈ પેટા શાખા નહેરનું વધુ 45 કિ.મી. વિસ્તરણ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સિંચાઈ માટે નર્મદા જળ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ગાંધીનગર: કચ્છને રાજ્ય સરકાર તરફથી વધુ એક ભેટ મળવા જઈ રહી છે. દૂધઈ પેટા શાખા નહેરનું વધુ 45 કિ.મી. વિસ્તરણ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રૂપિયા 1550 કરોડના અંદાજિત ખર્ચે આ કામગીરી હાથ ધરી અંજાર અને ભૂજ તાલુકાના વધુ 13,175 એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદા જળ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
કચ્છ વિસ્તારને નર્મદા યોજનાના પાણી પૂરા પાડતી નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરમાંથી નીકળતી દૂધઈ પેટા શાખા નહેરને ઓપન કેનાલ તરીકે વધુ 45 કિલોમીટર લંબાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેનાલ શાખા નહેરનું દૂધઈથી કુનારિયા સુધી એટલે કે વધુ 45 કિલોમીટર વિસ્તરણ થવાના પરિણામે અંજાર તેમજ ભૂજ તાલુકાના ખેડૂતો અને લોકોની માંગણીનો સુખદ અંત આવશે.
આ વધારાની 45 કિ.મી. લંબાઈમાં 176 જેટલા મોટા સ્ટ્રક્ચર્સનું પણ બાંધકામ કરવાનો અને દૂધઈ પેટા શાખા ઉપરાંત તેના વિસ્તરણ માળખાના કામો પણ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અમલવારી કરવાના આદેશો પણ સીએમએ આ બેઠકમાં આપ્યા હતા. હાલમાં દૂધઈ પેટા શાખા નહેરના ભચાઉથી દૂધઈ સુધીના 23.025 કિલોમીટર લંબાઈના કામો તથા તેના વિસ્તરણ માળખાના કામો પૂર્ણ થઈ ગયા છે.
હવે, આ નહેરને ભુજ તાલુકાના કુનારિયા સુધી લંબાવાતા અંજાર તેમજ ભુજ તાલુકાના વધારાના 13,175 એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદા જળ મળતાં થશે તેમજ પશુધનને પીવાના પાણી તથા ઘાસચારાની સમસ્યા દૂર થશે. આ નહેર પૂર્ણ થતાં નર્મદામાં પૂર વખતે ઉપલબ્ધ થતાં વધારાના પાણીમાંથી કચ્છને જે 1 મિલિયન એકર ફૂટ પાણી ફાળવાયેલ છે તેના ભાગરૂપે રુદ્રમાતા ડેમમાં નર્મદાના પાણીનો સંગ્રહ થઈ શકશે. મુખ્યમંત્રીએ અંદાજીત રૂ. 1550 કરોડના ખર્ચે હાથ ધરાનારી આ દૂધઈ પેટા શાખા નહેરની તથા તેની વિસ્તરણ માળખાની નહેરોના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી.
આ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, સરદાર સરોવર નર્મદા નિગમ ના ડાયરેક્ટર સિવીલ અને કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ ,જળ સંપત્તિ વિભાગ ના સચિવ અને ખાસ સચિવ તેમજ વરિષ્ઠ ઈજનેરો પણ ઉપસ્થિત રહ્યા હતા.