GPSC પરીક્ષા કાર્યક્રમ જાહેર: વર્ગ-1, 2 અને 3 માટે પરીક્ષાની તારીખોનું એલાન, જાણો સંપૂર્ણ વિગતો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી પરીક્ષાઓનું વાર્ષિક સમયપત્રક જાહેર, એપ્રિલથી પ્રિલીમ પરીક્ષાનો પ્રારંભ, ઉમેદવારો માટે તૈયારીનો માર્ગ મોકળો.

GPSC exam schedule 2025: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યમાં વર્ગ-1, 2 અને 3 સંવર્ગોની વિવિધ જગ્યાઓ માટે ભરતી પરીક્ષાઓના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આયોગે ગુજરાત વહીવટી સેવા, મદદનીશ વન સંરક્ષક, હિસાબી અધિકારી, રાજ્ય વેરા નિરીક્ષક, અને નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર સહિતની અનેક મહત્વપૂર્ણ જગ્યાઓ માટે પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર કરી છે. આ પરીક્ષાઓ એપ્રિલ મહિનાથી શરૂ થશે. GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે આ અંગેની માહિતી તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ઉમેદવારોને આપી છે.
હસમુખ પટેલે સોશિયલ મીડિયા 'X' પર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘ઉમેદવારો પરીક્ષાની અગાઉથી તૈયારી કરી શકે, વિવિધ ભરતીઓમાં ભાગ લેવાની તક મળે, અને મૂલ્યાંકન પ્રક્રિયામાં વિલંબ ન થાય, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મુલ્કી સેવા વર્ગ -1, 2, નાયબ સેક્સન અધિકારી, નાયબ વન સંરક્ષક, આંકડા અધિકારી વર્ગ- 1, 2, રાજ્ય વેરા નિરીક્ષક વગેરે પરીક્ષાઓનું વાર્ષિક સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.’
GPSC દ્વારા જાહેર કરાયેલા સમયપત્રકનો હેતુ ભરતી પ્રક્રિયાને ઝડપી અને કાર્યક્ષમ બનાવવાનો છે. આયોગે જણાવ્યું છે કે વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3 સંવર્ગોની મુખ્ય પરીક્ષાઓ વર્ણનાત્મક પ્રકારની હોવાથી અને તેના મૂલ્યાંકનમાં સમય લાગતો હોવાથી, પરીક્ષાઓ એવી રીતે ગોઠવવામાં આવી છે કે જેથી એક પરીક્ષાનું મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ જ બીજી પરીક્ષા લેવામાં આવે. આ ઉપરાંત, આયોગે ઉમેદવારોની સગવડતાને પણ ધ્યાનમાં લીધી છે, કારણ કે મોટાભાગના ઉમેદવારો એક કરતાં વધુ પરીક્ષાઓ આપતા હોય છે. જેથી તેઓની વિવિધ પરીક્ષાઓ એક જ સમયે ન આવી જાય.
આયોગે વધુમાં જણાવ્યું હતું કે, સારી ગુણવત્તાવાળા તજજ્ઞો મળી રહે તે માટે પ્રયાસો ચાલુ છે અને આ માટે એક પોર્ટલ પણ વિકસાવવામાં આવી રહ્યું છે. કેટલાક ઉમેદવારો પરીક્ષા પાછળ લઇ જવાના પક્ષમાં હોઈ શકે છે, પરંતુ આયોગનું માનવું છે કે આમ કરવાથી ભરતી પ્રક્રિયામાં વિલંબ થાય છે, જે ઉમેદવારોના હિતમાં નથી. આથી, આયોગ આ સમયપત્રકને વળગી રહેવા માટે પ્રયત્નશીલ રહેશે.
પરીક્ષાની તારીખોમાં ફેરફાર:
ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે કેટલીક પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે:
મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-૨ અને હિસાબી અધિકારી વર્ગ-૧/૨: પ્રિલીમનરી પરીક્ષાની તારીખ જે અગાઉ 10.05.2025 જાહેર કરવામાં આવી હતી, તે હવે 06.06.2025 ના રોજ યોજાશે. નિયમિત અને દિવ્યાંગોની ખાસ ભરતી સંયુક્ત રીતે જ યોજાશે.
નાયબ સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર વર્ગ-૩: પ્રિલીમનરી પરીક્ષાની તારીખ જે અગાઉ 25.04.25 જાહેર કરવામાં આવી હતી, તે હવે 07.09.25 ના રોજ યોજાશે. નિયમિત અને દિવ્યાંગોની ખાસ ભરતી સંયુક્ત રીતે જ યોજાશે.
રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩: દિવ્યાંગોની ખાસ ભરતીની પ્રિલીમનરી પરીક્ષાની તારીખ 06.04.25 યથાવત રહેશે. દિવ્યાંગ ઉમેદવારોએ આ ખાસ નોંધ લેવી.
ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ GPSCની સત્તાવાર વેબસાઈટની નિયમિત મુલાકાત લેતા રહે અને પરીક્ષા કાર્યક્રમ સંબંધિત વધુ માહિતી માટે અધિકૃત સૂચનાઓ ચકાસતા રહે.

