Gujarat Election Result 2022: અર્જુન મોઢવાડિયાએ પરિણામ પહેલા જ ભારે લીડથી જીતનો કર્યો દાવો, કહ્યું- કોંગ્રેસની સરકાર બનશે
Gujarat Election Result 2022: અર્જુન મોઢવાડિયાએ કહ્યું, અમારા ધારાસભ્યો નક્કી કરશે કે, મુખ્યમંત્રી કોણ બનશે. પોરબંદરથી હું ભારે લીડથી જીતી રહ્યો છું.
Gujarat Election: ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવવાના છે, જો કે તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો પક્ષોની જીત અને હારની આગાહી કરી રહ્યા છે. ગુજરાતમાં સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં સતત 7મી વખત ભાજપની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.
શું કહ્યું મોઢવાડિયાએ
આજે ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ મોટોદાવો કર્યો છે. તેમણે કહ્યું, આ વખતે કોંગ્રેસની સરકાર બની રહી છે, એક્ઝિટ પોલથી સંપૂર્ણ વિપરીત પરિણામ આવશે. અમારી ધારણા કરતા 10થી 15 બેઠક ઓછી આવશે, અમે 125 બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. AAP માત્ર અમારા વોટ તોડ્યા તેમને બેઠક નહિ મળે, અમે પ્રચારમાં જેમને બોલાવ્યા તે, પ્રચાર કરવા આવ્યા જ છે. અમારા ધારાસભ્યો નક્કી કરશે કે, મુખ્યમંત્રી કોણ બનશે. પોરબંદરથી હું ભારે લીડથી જીતી રહ્યો છું.
સુરતમાં ભાજપને કેટલી સીટ મળશે, શું કહે છે સટ્ટાબજાર
સટ્ટોડીયાઓના મતે સુરત શહેરની 12 પૈકી ઓછામાં ઓછી 11 બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતા છે. જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની 54 પૈક્કી ભાજપના ફાળે 40-42 બેઠકો આવવાની શક્યતા છે. સૌથી વધુ સટ્ટો હાર્દિક પટેલની વિરમગામ બેઠક, અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે. આ ઉપરાંત સટ્ટાબજારમાં ખંભાળિયા બેઠક પર લાગી રહ્યો છે સૌથી વધુ સટ્ટો, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીતનો ભાવ 95 પૈસા છે.
હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની જીતનો કેટલો છે ભાવ
બનાસકાંઠાની વાવ અને થરાદ બેઠક પર કાંટાની ટક્કરની વચ્ચે મોટો સટ્ટો લાગી રહ્યો છે. સટ્ટાબજારમાં હાર્દિક પટેલની જીતનો ભાવ 90 પૈસા તો અલ્પેશ ઠાકોરની જીતનો ભાવ 80 પૈસા છે. સટ્ટાબજારમાં ખેડબ્રહ્મા , મહેસાણા , ઊંઝા , માણસા , ઈડર , મોરબી , રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપની જીત નક્કી છે. સટ્ટોડીયાઓને પાટણ બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર કિરીટ પટેલની જીત નક્કી લાગી રહી છે. વડોદરા શહેરની તમામ બેઠકો પર સટ્ટોડીયાઓ ભાજપની જીત બેઠક માની રહ્યા છે. વડોદરા જિલ્લાની વાઘોડીયા અને પાદરા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારની જીતનો ભાવ લગભગ સરખો છે.
અમરેલી જિલ્લામાં શું થશે
સટ્ટાબજારમાં વિસાવદરથી હર્ષદ રીબડીયા, માણાવદરમાં જવાહર ચાવડાની જીત નિશ્ચિત છે. આ ઉપરાંત સટ્ટોડીયાઓના મતે ધોરાજી બેઠક પર લલિત વસોયા , જામજોધપુરથી ચિરાગ કાલરીયાની જીત નિશ્ચિત છે. અમરેલી જિલ્લાની 5 પૈકી 3 બેઠક પર ભાજપ તો 3 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જીત માટે હોટ ફેવરીટ છે.
કાંધલ જાડેજાની જીત નક્કી
સટ્ટાબજારના મતે મોરબી બેઠકથી ભાજપના કાંતિ અમૃતીયાની જીત નિશ્ચિત , ટંકારા બેઠક પર લલિત કગથરાની મામુલી સરસાઈથી જીત થઈ શકે છે. સટ્ટાબજાર પોરબંદરની બેઠક પર જીત માટે અર્જૂન મોઢવાડીયા જીત માટે હોટ ફેવરીટ તો કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાની જીત નક્કી છે.
સટ્ટાબજારમાં નર્મદા જિલ્લામાં ભાજપની જીત મુશ્કેલ
સટ્ટાબજારમાં વલસાડ જિલ્લાની તમામ 5 બેઠકો અને ડાંગ જિલ્લાની 1 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. નવસારી જિલ્લાની 4 પૈકી 3 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. સટ્ટાબજારના મતે નર્મદા જિલ્લાની બન્ને બેઠક પર ભાજપ માટે જીત મુશ્કેલ છે.