(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની ઘરવાપસી, ફરીથી કોંગ્રેસમાં જોડાયા, જાણો ક્યાંથી લડશે ચૂંટણી ?
રાજકીય કેરિયરની વાત કરીએ તો, મહેન્દ્રસિંહ વાઘેલા આ પહેલા કોંગ્રેસના ધારાસભ્યા રહ્યાં હતા, તેમને વર્ષ 2012થી 2017 સુધી બાયડ વિધાનસભાના ધારાસભ્ય રહ્યાં હતા.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પુરજોશમાં પ્રચાર કરી રહી છે. આ બધાની વચ્ચે સંભવિત ઉમેદવારો અને દાવેદારો પણ મેદાનમાં ગયા છે. હવે પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરીથી એકવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રેસ કૉન્ફરન્સ
આજે બપોરે 12 વાગે કોંગ્રેસના પ્રદેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી, તે સમયે તેમને જાણકારી આપી કે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. જગદીશ ઠાકોરે મહેન્દ્રસિંહ વાઘેલાને કોંગ્રેસનો ખેસ પહેરાવીને વિધિવત રીતે કોંગ્રેસમાં આવકાર્યા હતા.
મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસ સાથે
પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે, અને સમાચાર પ્રમાણે બાયડ કે ગાંધીનગર ઉત્તર વિધાનસભા પરથી કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા કોંગ્રેસમાં હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હતા, પરંતુ બાદમાં ભાજપ સાથે જોડાઇ ગયા હતા, જોકે રાજ્યસભાની ચૂંટણીના સમયે તેમને ફરીથી પાછુ ભાજપમાંથી રાજીનામુ ધરી દીધુ હતુ, અને નિષ્ક્રિય થઇ ગયા હતા. હવે વિધાનસભાની ચૂંટણી સામે છે ત્યારે ફરી રાજકારાણમાં એક્ટિવ થઇ રહ્યા છે.
રાજકીય કેરિયરની વાત કરીએ તો, મહેન્દ્રસિંહ વાઘેલા આ પહેલા કોંગ્રેસના ધારાસભ્યા રહ્યાં હતા, વર્ષ 2007માં માલપુર-મેઘરજ બેઠક પરથી તેઓ ધારાસભ્ય રહ્યાં હતા, બાદમાં વર્ષ 2012થી 2017 સુધી બાયડ વિધાનસભાના ધારાસભ્ય રહ્યાં હતા.
બાયડ બેઠક પરનુ હાર-જીતનું સમીકરણ, કોણ ક્યારે જીત્યુ......
વર્ષ | વિજેતા ઉમેદવારનુ નામ | પક્ષ |
2019 | જશુભાઈ પટેલ | INC |
2017 | ઝાલા ધવલસિંહ | INC |
2012 | મહેન્દ્રસિંહ વાઘેલા | INC |
2007 | ઝાલા ઉદેસિંહ | BJP |
2002 | સોલંકી રામજીસિંહ | INC |
1998 | ડૉ. મહેન્દ્ર પટેલ | BJP |
1995 | સોલંકી રામસિંહ | INC |
1990 | સોલંકી ચંદ્રભાનસિંહ | BJP |
1985 | સોલંકી રામજીસિંહ | IND |
1980 | સોલંકી રામજીસિંહ | INC |
1975 | રહેવર લાલસિંહ | NCO |
1972 | રહેવર લાલસિંહ | NCO |
1967 | રહેવર લાલસિંહ | SWA |
1962 | રહેવર લાલસિંહ | SWA |
બાયડ વિધાનસભા બેઠક વિશે જાણો......
બાયડ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનું મુખ્ય મથક છે. બાયડ અરવલ્લી જિલ્લાનું સૌથી વિક્સીત નગર ગણાય છે. આ સાથે જ બાયડ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 32 નંબરની બેઠક છે. બાયડની વિધાનસભા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે. બાયડ વિધાનસભામાં બે તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે, જેમાં બાયડ તાલુકા પંચાયતમાં ભાજપ અને માલપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. બાયડ વિધાનસભામાં બાયડ નગરપાલિકાનો સમાવેશ થાય છે, જ્યાં હાલ ભાજપ અને એનસીપીનુ ગઠબંધન શાસનમાં છે. બાયડ વિધાનસભા બેઠક પર કુલ 231000 જેટલા મતદારો છે, જેમાં 118817 પુરુષ મતદારો અને 112286 મહિલા મતદારો છે.