Gujarat Election 2022: બે દિવસ પહેલા AAP માં જોડાયેલા ભાજપના કયા નેતાએ કરી ઘર વાપસી ?
Gujarat Elections 2022: માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની નારાજગી દૂર થઈ છે. કેસરીસિંહ સોલંકીને ટીકીટ ન મળવા ના કારણે બે દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ નેતાઓના પક્ષપલટાની મોસમ પણ જામી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. બે દિવસ પહેલા ટિકિટ ન મળવાના કારણે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ભાજપના નેતા કેસરીસિંહ સોલંકીની ઘર વાપસી થઈ છે.
માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની નારાજગી દૂર થઈ છે. કેસરીસિંહ સોલંકીને ટીકીટ ન મળવા ના કારણે બે દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમના ફેસબુક એકાઉન્ટ માં ફોટો મૂકી તેઓ ભાજપ સાથે જ છે તેવા સંકેતો આપ્યા છે.
સૌરાષ્ટ્ર ભાજપના કયા ધારાસભ્યએ ટિકિટ ન મળતાં આપ્યું રાજીનામું ?
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે 166 ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે 16 ઉમેદવારોની પસંદગીનું કોકડું ગુંચવાયું છે. ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, અનેક જગ્યાએ ટિકિટવાંછુ અને તેમના સમર્થકો નારાજ છે. આ દરમિયાન આજે કેશોદ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે ભાજપના તમામ પદેથી રાજીનામું આપ્યું છે. પક્ષમાં થતી અવગણનાને લઈ તેમણે રાજીનામું આપ્યું છે. કેશોદ બેઠક માટે તેઓ પ્રબળ દાવેદાર હતા તેમ છતાં પસંદગી ન થતાં આ પગલું ભર્યું છે. હવે તેઓ અપક્ષ ચૂંટણી લડશે.
તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે, હું 1983થી ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારીપૂર્વક કામ કરું છું. પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવી છે. મેં પાર્ટીને મારી મા ગણીને કામ કર્યુ છે, આમાં ક્યાંય પણ મારી ત્રુટી રહી હોય તો હું પાર્ટીની માફી માંગું છું. હાલના સંજોગમોમાં ખૂબ જ દુખ સાથે હું ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્યપદેથી તેમજ પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્યપદેથી મને મુક્ત કરવા મારી વિનંતી કરું છું.
અમરેલી ભાજપના ઉમેદવાર સામે અસંતોષ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા અત્યાર સુધીનાં 166 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા અમરેલીની સાવરકુંડલા બેઠક પરથી મહેશ કસવાલાને ટિકિટ આપવામાં આવી છે. મહેશ કસવાલનું નામ જાહેર થયા બાદથી સાવરકુંડલા ભાજપના વિધાનસભાના ઉમેદવાર સામે દાવેદારો અને કાર્યકરોનો કચવાટ છે. જેને લઈ પૂર્વ કૃષિ મંત્રી વી વી વઘાસીયાના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં દાવેદારો કે કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર જ સાવરકુંડલા ના ઉમેદવાર જાહેર કર્યા હોવાની ચર્ચા થઈ હતી. મહેશ કસવાલા સામે કાર્યકરો અને દાવેદારએ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો.