Gujarat Assembly Election Result: ગુજરાતની આ 21 બેઠકો પર કોગ્રેસ કરતા AAPને વધુ મત મળ્યા
શપથવિધી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથવિધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
ગાંધીનગરઃ 156 બેઠક સાથે પ્રચંડ અને રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનો શપથવિધી કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધી કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથવિધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 156, કોગ્રેસે 17, આમ આદમી પાર્ટીએ પાંચ અને અન્યએ ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કુલ પાંચ બેઠકો મળી છે. પરંતુ 182 બેઠકોમાંથી ભાજપે જીતેલી 24 બેઠકો એવી છે કે જેમાં આપને મળેલા મતના કારણે કૉંગ્રેસના મત ઘટ્યા છે અને ભાજપના ઉમેદવાર લીડથી જીત્યા તો 21 બેઠકો એવી છે જેમાં કૉંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારને વધુ મત મળ્યા હતા.
આ મતની લડાઈમાં આપે વધારે મત મેળવ્યા હોવાથી કૉંગ્રેસનો પરાજય થયો હતો. કૉંગ્રેસ અને આપને મળેલા મતોની કુલ ટકાવારી 40.8 ટકા જેટલી થાય છે. જે 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસને મળેલા 41 ટકા મત આસપાસ જ છે. એટલે આમ આદમી પાર્ટીએ જે મત મેળવ્યા છે તે મોટાભાગે કૉંગ્રેસના મતદારોના જ મત છે. આમ આદમી પાર્ટી જે બેઠકો પર બીજા ક્રમે રહી તેમાં ભિલોડા, ધરમપુર, ધારી, ગઢડા, જેતપુર પાવી, કાલાવડ, ખંભાળિયા, લીમખેડા, તાલાલા, વ્યારા, જેતપુર, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, વરાછા, કતારગામ, જસદણ બેઠકોનો સમાવેશ થાય છે.
12 ડિસેમ્બરે યોજનારા શપથવિધી કાર્યક્રમ અગાઉ હવે નવી સરકારના મંત્રીમંડળમાં કોને કોને સામેલ કરવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. એક તર્ક અનુસાર હર્ષ સંઘવીનું મંત્રી બનવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તો શંકર ચૌધરીનું મંત્રીપદ પણ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઋષિકેશ પટેલ, રમણલાલ વોરા, જીતુ વાઘાણીને મંત્રી પદ મળી શકે છે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને પણ દાદાની નવી સરકારમાં મંત્રી પદ મળી શકે છે. તો વેજલપુરના અમિત ઠાકર અને એલિસબ્રિજના અમિત શાહને પણ નવી સરકારમાં મંત્રી પદ મળી શકે છે.
આ સિવાય અમૂલ ભટ્ટ, હસમુખ પટેલ, કુંવરજી બાવળીયા, ડૉ. દર્શિતા શાહ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરાને નવી સરકારમાં મંત્રીપદ મળી શકે છે. દેવાભાઈ માલમ, સંજય કોરડીયા, જે.વી.કાકડીયા, હીરાભાઈ સોલંકી, પંકજ દેસાઈ, અર્જૂનસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર અથવા સી.કે. રાઉલજીનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવો રાજકીય તર્ક લગાવવામાં આવી રહ્યો છે