Gujarat BJP Executive Meeting Live: ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીનો આજે બીજો દિવસ, CM ભુપેન્દ્ર પટેલે કર્યો રોડ શો
Gujarat BJP Executive Meeting Day 2: કારોબારી બેઠક દરમિયાન 3 અલગ અલગ પ્રેઝન્ટેશન રજૂ કરાશે.
LIVE
Background
Gujarat BJP Executive Meeting: સુરેન્દ્રનગરમાં ગુજરાત ભાજપની કારોબારીની બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બેઠકનો બીજો દિવસ છે. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો જીતવાનો છે. જેને લઈ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ઓછી લીડથી જીતેલા 55 ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકને ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે કેટલીક જગ્યા પર જીત થઇ હતી તેને લઇને અને કેટલીક જગ્યા પર ફરિયાદો આવી હતી તેને લઇને આ તમામના કોમ્બીનેશનને લઇને પણ આ 55 ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી છે.
અગાઉથી જ તૈયારીઓ કરી શરૂ
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ત્રીજા પક્ષની એન્ટ્રીએ કોંગ્રેસનો ખેલ બગાડયો છે. પાટીલે જે બેઠકો પર કોંગ્રેસ અને આપના કુલ મતો ભાજપ કરતાં વધુ હોય તેવી બેઠકો પર ફોકસ કર્યું છે. જો આ બેઠકો અંગે વિચાર ન કરાય તો ભાજપ માટે લોકસભાની ચૂંટણીમાં કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. આ એવી બેઠકો છે, જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વોટબેંક ભાજપ કરતા વધુ છે. પાટીલે આ 55 બેઠકો પર 2022 જેવી સ્થિતિ સર્જાઈ તેવી 2024માં ન થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
લોકસભામાં તમામ 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ
ભાજપ પ્રમુખ પાટીલનું ફોકસ હાલ આ 55 બેઠકો છે. તેમણે આ 55 બેઠકોના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે બેઠક કરી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પાતળી સરસાઈથી અહી જીત હાંસિલ કરી હતી. જો આ બેઠકો મજબૂત નહિ કરાય તો લોકસભાની ચૂંટણીમાં તેની અસર પડી શકે છે. તેથી ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૌથી પહેલુ કામ આ 55 બેઠકોને મજબૂત કરવાનુ હાથ ધરાયું છે.ગુજરાતની 26 લોકસભા બેઠક પર જીત માટે પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવશે. 26માંથી 26 બેઠક મળે તે માટે રણનીતિ ઘડવામાં આવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રચ્યો ઈતિહાસ
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠક જીતીને ઈતિહાસ રચ્યો હતો. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં કોઈપણ પક્ષને આટલી સીટો મળી નથી. ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીતનો શ્રેય પાટીલને આપવામાં આવ્યો હતો. કોંગ્રેસને માત્ર 17 બેઠક જ મળી હતી. જ્યારે પ્રથમ વખત રાજ્યમાં ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીને પાંચ અને અન્યને ચાર સીટ મળી હતી.
ધન્યવાદ પ્રસ્તાવ પસાર કરાયો
ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં ધન્યવાદ પ્રસ્તાવ પસાર કરાયો. જેમાં ગુજરાત ભાજપની ઐતિહાસિક જીતના શિલ્પી PM મોદી અને અમિત શાહને ગણાવ્યા. આ ઉપરાંત પેજ સમિતિની રણનીતિનો પણ ધન્યવાદ પ્રસ્તાવમાં ઉલ્લેખ કરાયો. 81 લાખ પેજ સમિતિના સભ્યોના કારણે ભવ્ય જીત થઈ હોવાનો ઉલ્લેખ કરાયો. કાર્પેટબોમ્બિંગ, વન ડે વન ડિસ્ટ્રિક્ટ સહિતની ચૂંટણીલક્ષી રણનીતિનો પણ ધન્યવાદ પ્રસ્તાવમાં ઉલ્લેખ કરાયો.
ભૂપેન્દ્ર પટેલે યોજ્યો રોડ શો
સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ ભાજપ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ભવ્ય રોડ શો યોજાયો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ હાજર રહ્યા હતા.
પરંપરાગત હુડો રાસ, રાવણ હથો, ઝાલાવાડી ઢોલ, શરણાઈ વાદક સાથે મહેમાનોનું સ્વાગત કરાયું
આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો ભવ્ય રોડ શો યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના રોડ-શોને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. મહિલા હોદેદારો અને કાર્યકરો રજવાડી સાફા સાથે સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. પરંપરાગત હુડો રાસ, રાવણ હથો, ઝાલાવાડી ઢોલ, શરણાઈ વાદક સાથે મહેમાનોનું સ્વાગત કરાયું હતું. રોડ શો બાદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે બીજા દિવસની કારોબારી બેઠક યોજાશે.
ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક જીતવા નક્કી કરાયો લક્ષ્યાંક
જુગલજી લોખંડવાલા, સાંસદ, રાજ્યસભાએ કહ્યું, ગુજરાત ભાજપે આગામી લોકસભાની ચૂંટણીનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ગુજરાતની ફરીથી 26માંથી 26 બેઠક જીતવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. લક્ષ્યાંકને પૂર્ણ કરવા વધુમાં વધુ લોકોના કર્યો કરવા પર ભાર મુકાયો છે.
કારોબારી બેઠક દરમિયાન 3 અલગ અલગ પ્રેઝન્ટેશન કરાશે રજૂ
રાજ્ય સરકારની યોજનાઓ, સહકાર વિભાગ, સામાજિક અને આર્થિક સુરક્ષા અને ભાજપની સામાજિક ભૂમિકા અંગે પ્રેઝન્ટેશન થશે. સહકાર ક્ષેત્રમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની કામગીરી સંદર્ભે પ્રેઝન્ટેશન થશે. રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ તથા હર્ષ સંઘવી કરશે સરકાર તરફથી અને સહપ્રભારી સુધીર ગુપ્તા સંગઠન માટે પ્રેઝન્ટેશન કરશે.