GUJARAT : ભાજપના આ દિગ્ગજ નેતાએ કર્યો દાવો, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના MLA ક્રોસ વોટિંગ કરશે
Presidential election 2022 : ભાજપ નેતાની સામે કોંગ્રેસે પણ ક્રોસ વોટિંગના દાવા કર્યા છે.
Nitin Patel on Gujarat Congress MLA : રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આવતીકાલે 18 જુલાઈએ મતદાન થવાનું છે. આજે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાત આવ્યાં હતા. દ્રૌપદી મુર્મુએ ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરી સમર્થન માંગ્યું હતું. આ દરમિયાન રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેમજ ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલે દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના MLA ક્રોસ વોટિંગ કરશે.
કોંગ્રેસના MLA ક્રોસ વોટિંગ કરશે : નીતિન પટેલે
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેમજ ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલે દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના MLA ક્રોસ વોટિંગ કરશે. જો કે નીતિન પટેલના આ દાવામાં કેટલો દમ છે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે. પણ નીતિન પટેલના આ દાવાના કારણે રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાન પહેલા રાજકારણ ગરમાયુ છે. સામે કોંગ્રેસે પણ ક્રોસ વોટિંગનો દાવો કર્યો છે.
કોંગ્રેસે પણ ક્રોસ વોટિંગનો દાવો કર્યો
નીતિન પટેલને વળતો જવાબ આપતા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ધારાસભ્ય સી.જે. ચાવડાએ કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો ક્રોસ વોટિંગ થશે તો ભાજપમાંથી થશે. એટલે કે ભાજપના ધારાસભ્યો-સાંસદો વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહાને મત આપશે. આ સાથે જ તેમણે કટાક્ષ કરતા કહ્યું કે ભાજપે નીતિન પટેલને આવા દાવા કરવા માટે જ રાખ્યાં છે.
તો આ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો અકબંધ છે અને તેઓ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહાને જ મત આપશે. જગદીશ ઠાકોરે એમ પણ કહ્યું કે આજે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આજે ગાંધીનગર બોલાવી લેવામાં આવ્યો છે.
આવતીકાલે 18 જુલાઈએ મતદાન
દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આવતીકાલે 18 જુલાઈએ મતદાન થવાનું છે. NDAના સંયુક્ત ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહા વચ્ચે ટક્કર છે. જો કે આ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુનું પલડું ભારે છે. કેમ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર દ્રૌપદી મુર્મુને 60 ટકાથી વધુ મત મળવાના છે એ નક્કી છે. એટલે કે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહાની હાર થશે અને દ્રૌપદી મુર્મુ દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે.