Gujarat: કાલે સવારે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, નગરપાલિકાના નવા પ્રમુખ, હોદ્દેદારોના નામ પર મંથન
આવતીકાલે સવારે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. નગરપાલિકાના નવા પ્રમુખ, હોદ્દેદારોના નામ પર મંથન થશે.

ગાંધીનગર: આવતીકાલે સવારે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. નગરપાલિકાના નવા પ્રમુખ, હોદ્દેદારોના નામ પર મંથન થશે. સૌથી પહેલા ગાંધીનગર તાલુકા પંચાયત, માણસા પાલિકાના હોદ્દેદારો અંગે મંથન કરવામાં આવશે. જૂનાગઢ મનપા, 3 તાલુકા પંચાયત, ભાજપ શાસિત પાલિકાના હોદ્દેદારો અંગે ચર્ચા કરવામાં આવશે.
સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક
મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. મોટાભાગની ચર્ચા કાલે જ પૂર્ણ કરવાની ભાજપની તૈયારી છે. જો કોઈ ચર્ચા બાકી રહે તો 5 તારીખે સવારે ફરી બેઠક મળશે. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે.
ગુજરાતમાં ગત મહિને યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ જૂનાગઢ મહાનગરપાલિકા, રાજયની 66 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થઈ હતી. ચૂંટાયેલા સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થયા બાદ સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં પદાધિકારીઓની નિયુકતી કરવા માટે મંગળવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે.
પસંદ કરાયેલા નામો જિલ્લા પ્રમુખને મોકલાશે
જેમાં એકબાદ એક જિલ્લાના સંગઠનના હોદેદારોને સાંભળી નિરીક્ષકો પાસેથી સેન્સ દરમિયાન આવેલા દાવેદારોના નામોની યાદી મેળવવામાં આવશે. આ દરમિયાન બુધવારે બોર્ડ બેઠક પૂર્વ એકાદ કલાક અગાઉ પસંદગી કરવામાં આવેલા નેતાના નામોની યાદી જે તે જિલ્લાના પ્રમુખને મોકલવામાં આવશે.
સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં સંગઠનના હોદેદારો અને પદાધિકારીઓની નિયુકતી કરતા પૂર્વ નિરીક્ષકોને મોકલી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ગત સપ્તાહે અલગ-અલગ સ્થળોએ નિરીક્ષકોને મોકલી ચૂંટાયેલા સભ્યોને સાંભળવામાં આવ્યા હતા. કાલે ભાજપનીપાર્લામેન્ટરી બોર્ડની બેઠક આખો દિવસ ચાલશે. આ દરમિયાન બુધવારે સવારે જેતે સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં પદાધિકારીઓની નિયુકતી માટે મળનારા જનરલ બોર્ડની બેઠક પૂર્વ એક કલાક અગાઉ બંધ કવરમાં પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા જિલ્લા કે શહેર પ્રમુખને નામ મોકલવામાં આવશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી જ્યારે કોંગ્રેસનો સફાયો થયો હતો. તમને જણાવી દઈએ કે, જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ 57 ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે ધ્રોલ નગરપાલિકાના 1 વોર્ડમાં ઉમેદવારનું મૃત્યુ થતા 4 સીટની ચૂંટણી મુલતવી રહી હતી.
કુતિયાણા અને રાણાવાવમાં સપાની જીત થઈ હતી
પોરબંદરની કુતિયાણા નગરપાલિકા અને રાણાવાવ બેઠકમાં રસપ્રદ ખેલ જામ્યો હતો. કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ, કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સમાજવાદી પાર્ટીએ બાજી પલટી હતી.





















