Gujarat BJP reshuffle: ગુજરાત ભાજપ સંગઠનમાં દેવદિવાળી આસપાસ મોટા ફેરફારોના એંધાણ, મહામંત્રી પદ માટે ચાર નામ ચર્ચામાં
Gujarat BJP reshuffle: વિનોદ ચાવડા રિપીટ થઈ શકે છે; ઉત્તર ગુજરાતમાંથી રણછોડ રબારી, મધ્ય ગુજરાતમાંથી પૂર્વ સાંસદ રંજન ભટ્ટ અને અમદાવાદમાંથી પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને મહામંત્રી બનાવાશે તેવી અટકળો.

Gujarat BJP reshuffle: ગુજરાત ભાજપના સંગઠનને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશ સંગઠનના મહત્ત્વના પદ એવા મહામંત્રી માટેની નિમણૂકો દેવદિવાળી આસપાસ જાહેર થઈ શકે છે.
પ્રદેશ ભાજપના ચાર મહામંત્રીના પદ માટે નવા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. હાલના ચાર મહામંત્રીઓ પૈકી વિનોદ ચાવડા રિપીટ થવાની પ્રબળ શક્યતા છે.
નવા મહામંત્રી તરીકે નીચેના નામોની ચર્ચા ચાલી રહી છે:
- ઉત્તર ગુજરાતમાંથી રણછોડ રબારી
- મધ્ય ગુજરાતમાંથી પૂર્વ સાંસદ રંજન ભટ્ટ
- અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ
માનવામાં આવી રહ્યું છે કે, પ્રદેશ ભાજપનું સંગઠન માળખું વધુ મજબૂત અને કાર્યશીલ બનાવવા માટે આ મહત્ત્વની નિમણૂકોની જાહેરાત દેવદિવાળીના શુભ મુહૂર્ત આસપાસ કરવામાં આવશે.
મંત્રીમંડળના ફેરફાર બાદ જિલ્લા પ્રભારીઓ બદલવાની નવી કવાયત
ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં તાજેતરમાં થયેલા મોટા ફેરફારને કારણે, હવે 20 જિલ્લાઓના પ્રભારી મંત્રીઓ બદલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં કરવામાં આવેલા મોટા ફેરફાર બાદ, હવે રાજ્યના વહીવટને સુવ્યવસ્થિત કરવા માટે જિલ્લા પ્રભારી મંત્રીઓના મામલે પણ નવી કવાયત શરૂ કરવામાં આવી છે. અગાઉના 16 મંત્રીઓમાંથી 10 જૂના મંત્રીઓને નવા મંત્રીમંડળમાં ફરી સમાવવામાં આવ્યા નથી, જેના કારણે તેમના હસ્તકના 20 જિલ્લાઓમાં નવેસરથી પ્રભારી મંત્રીઓની નિમણૂક કરવી પડશે.
નવા મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યામાં વધારો થતાં, પ્રભારી મંત્રીઓની વહેંચણીની નીતિમાં પણ ફેરફાર કરવામાં આવશે. હવે સંભવતઃ માત્ર 8 મંત્રીઓને જ બે જિલ્લાનો પ્રભાર સોંપાઈ શકે છે. આ નીતિનો હેતુ એ છે કે જે મંત્રીઓ પાસે વધુ અને મહત્ત્વના વિભાગોની જવાબદારી છે, તેમને માત્ર એક-એક જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવે જેથી વહીવટી કાર્યભાર સંતુલિત રહે અને જિલ્લાઓના વિકાસ કાર્યો પર વધુ ધ્યાન આપી શકાય.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના પ્રભારીઓમાં પરિવર્તન સંભવ
પ્રભારી મંત્રીઓની ફાળવણીમાં થનારા આ બદલાવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના જિલ્લા પ્રભારમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. અગાઉ તેઓ વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી હતા, પરંતુ હવે તેમને સંભવિતપણે માત્ર ગાંધીનગર એક જ જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવી શકે છે.
મંત્રીમંડળમાંથી પડતાં મુકાયેલા પૂર્વ મંત્રીઓના સ્થાને કુલ 20 જિલ્લામાં નવા પ્રભારી મંત્રીઓ નિયુક્ત થશે. આ જિલ્લાઓમાં અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, ડાંગ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પાટણ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને વલસાડ નો સમાવેશ થાય છે.





















