કમોસમી વરસાદને લઈ સરકાર એક્શનમાં: CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી તાત્કાલિક બેઠક, લીધો મોટો નિર્ણય
Gujarat unseasonal rain: જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, કૌશિક વેકરિયા, પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ અને જયરામ ગામીત સહિત પાંચથી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાનો આદેશ.

Gujarat rain alert: રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેતીના પાકને થયેલા નુકસાન અને સર્જાયેલી પરિસ્થિતિને લઈને ગુજરાત સરકાર સતર્ક બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સિનિયર મંત્રીઓ સાથે તાત્કાલિક બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
આ બેઠક બાદ મુખ્યમંત્રીએ (CM Bhupendra Patel) રાજ્યના પાંચથી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક પહોંચી જવા માટે સૂચના આપી છે. જે મંત્રીઓને સૂચના અપાઈ છે તેમાં કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ અને જયરામ ગામીતનો સમાવેશ થાય છે.
આ તમામ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને જિલ્લા વહીવટી તંત્ર સાથે સીધું સંકલન સ્થાપીને તાત્કાલિક રાહત અને સર્વેની કામગીરી હાથ ધરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સરકારની આ તાત્કાલિક કાર્યવાહી દર્શાવે છે કે, ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા અને જનતાની મુશ્કેલીઓ દૂર કરવા રાજ્ય સરકાર ગંભીરતાથી પગલાં લઈ રહી છે.
ગુજરાતમાં કમોસમી વરસાદનો કેર: સવારથી ૧૮૭ તાલુકાઓમાં માવઠું, રાજુલામાં એક જ દિવસમાં ૬.૭૩ ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) સ્થિતિ યથાવત્ છે, જેના કારણે જનજીવન અને ખેતી પર માઠી અસર પડી રહી છે. આજે સવારથી અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૧૮૭ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો જાણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
આજના દિવસમાં સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ૬.૭૩ ઈંચ ખાબક્યો છે. આ ઉપરાંત અન્ય મહત્ત્વના સ્થળોએ નોંધાયેલો વરસાદ નીચે મુજબ છે:
| તાલુકાનું નામ | વરસાદ (ઇંચ) |
| રાજુલા | ૬.૭૩ |
| લીલીયા | ૪.૪૯ |
| ઉના | ૪.૪૧ |
| ગીર ગઢડા | ૪.૨૯ |
| ભાવનગર (મહુવા) | ૩.૬૬ |
| સાવરકુંડલા/ખાંભા | ૩.૬૬ / ૩.૬૨ |
| વલ્લભીપુર/કોડીનાર | ૩.૪૬ / ૩.૧૯ |
| ગોધરા/બાલાસિનોર | ૨.૦૫ / ૨.૧ |
| અમરેલી | ૧.૨૬ |
| નડિયાદ | ૧.૧૮ |
આ ઉપરાંત જેસર (૨.૪૮ ઈંચ), ખાનપુર (૨.૩૬ ઈંચ), તળાજા (૨.૧૩ ઈંચ), મેઘરજ (૧.૯૭ ઈંચ), વીરપુર (૧.૯૩ ઈંચ), કડાણા (૧.૮૯ ઈંચ), જાફરાબાદ અને શહેરા (૧.૭૭ ઈંચ), બોટાદ અને લુણાવાડા (૧.૭૩ ઈંચ), કપડવંજ અને મહેમદાવાદ (૧.૪૨ ઈંચ), તેમજ સંતરામપુરમાં (૧.૩૪ ઈંચ) વરસાદ નોંધાયો છે. આ અતિ ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેતીપાકો જેવા કે કપાસ અને મગફળીને વ્યાપક નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.





















