અરવલ્લી જિલ્લામાં વિકાસકાર્યોની વણઝાર: મુખ્યમંત્રીના હસ્તે ₹૨૮૨.૭૮ કરોડના પ્રકલ્પોના ખાતમુહુર્ત-લોકાર્પણ
મોડાસા ખાતે આધુનિક બસપોર્ટ સહિત શિક્ષણ, આરોગ્ય, આવાસના અનેક વિકાસકામોનો પ્રારંભ, મુખ્યમંત્રીએ વિકસિત ભારતના ૯ સંકલ્પોનું પાલન કરવા આહવાન કર્યું.

Aravalli development projects 2025: અરવલ્લી જિલ્લામાં આજે વિકાસકાર્યોનો ઐતિહાસિક દિવસ રહ્યો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મોડાસા ખાતે ગુજરાત સરકારના વિવિધ વિભાગોના કુલ ₹૨૮૨.૭૮ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા. આ સમારોહમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન બસપોર્ટ સહિત અનેકવિધ વિકાસકામોનો પ્રારંભ થયો.
આજના કાર્યક્રમમાં વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આજે ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી વિકાસ પહોંચ્યો છે. ગામેગામ પાકા રસ્તાઓ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને રોજગારીના કામો પહોંચ્યા છે. અરવલ્લી જિલ્લાએ વિકાસમાં ક્યારેય પાછું વળીને જોયું નથી અને આ વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવા આજે એક સાથે ₹૨૮૨.૭૮ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત થઈ રહ્યું છે. તેમણે ખાસ કરીને બસ સ્ટેન્ડને અત્યાધુનિક બસપોર્ટમાં રૂપાંતરિત કરવાના કાર્યને બિરદાવ્યું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે શિક્ષણ, આરોગ્ય, આવાસ સહિત લોકોને તમામ સુવિધાઓ ઉત્તમ પ્રકારે મળે તે માટે સરકાર સતત કાર્યરત છે. આરોગ્યની સાથે સાથે બાળકોના ઉચ્ચ શિક્ષણની પણ ચિંતા સરકારે કરી છે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ થકી દીકરીઓને આગળ વધારવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિકાસના વિવિધ કામોની સાથે લોકોને પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ વિકસિત ભારત ૨૦૪૭ના નિર્માણ માટે લોકભાગીદારીનું મહત્વ સમજાવ્યું. તેમણે કહ્યું કે વિકસિત ભારત માટે આપણે પહેલા વિકસિત ગુજરાત બનાવવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને આપેલા નવ સંકલ્પોનું પાલન કરવા તેમણે આહવાન કર્યું. જેમાં 'કેચ ધ રેઇન વોટર' (વરસાદી પાણીનો સંગ્રહ), 'એક પેડ માં કે નામ' (માતાના નામે વૃક્ષારોપણ), 'સ્વચ્છતા મિશન', 'વોકલ ફોર લોકલ' (સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન), 'દેશ દર્શન' (વિદેશ જતા પહેલા દેશના પ્રવાસન સ્થળોની મુલાકાત), 'પ્રાકૃતિક ખેતી' (રસાયણ મુક્ત ખેતી), 'મેદસ્વિતા મુક્ત ભારત' (આરોગ્યપ્રદ જીવનશૈલી), યોગ અને રમતગમતને દૈનિક જીવનમાં મહત્વ આપવું, અને ગરીબોના જીવનને સુધારવામાં ભાગીદાર બનવા માટે અપીલ કરી.
આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારે ગુજરાત મોડેલની પ્રસિદ્ધિનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે આ તમામ વિકાસકાર્યો જિલ્લાને નવી દિશા આપશે. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે આ કાર્યક્રમને ઐતિહાસિક ગણાવ્યો અને શિક્ષણ, આરોગ્ય, આર્થિક વિકાસ તેમજ નાગરિકોની સુખાકારી માટે સરકારના પ્રયાસોની વાત કરી. તેમણે અરવલ્લી જિલ્લામાં ધર્મ, પ્રજાતંત્ર અને રાજતંત્રના સમન્વયનો ઉલ્લેખ કર્યો અને તમામ શાળાઓને સ્માર્ટ બનાવી ટેકનોલોજીથી જોડવાના પ્રયાસોની વાત કરી.
આ લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, સાંસદ મતી શોભનાબેન બારૈયા, ધારાસભ્યઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આધુનિક મોડાસા બસપોર્ટ, સાંસદ મતી શોભનાબેન બારૈયાના લોકસંપર્ક કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું અને દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપ્યા. તેમણે ધનસુરા તાલુકાના આકૃંદ સ્થિત લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી હતી.
વિવિધ પ્રકલ્પોમાં ખાતમુહુર્ત અને લોકાર્પણની વિગત:
- માર્ગ અને મકાન વિભાગ: ૯૫ રસ્તાના વાયડનિંગ, રિસરફેસિંગ અને નવીન રોડ (રૂ. ૧૪૦.૨૨ કરોડ) - ખાતમુહુર્ત
- ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ: મોડાસા બસપોર્ટ (PPP ધોરણે, રૂ. ૧૫.૧૫ કરોડ) - લોકાર્પણ
- શિક્ષણ વિભાગ (સમગ્ર શિક્ષા): ૧૪ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૬૩ નવીન વર્ગખંડ (રૂ. ૧૨.૫૫ કરોડ) - ખાતમુહુર્ત
- શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ (મોડાસા નગરપાલિકા - અમૃત ૨.૦ તથા સ્વર્ણિમ જયંતિ): ૧૫ MLD ફિલ્ટર પ્લાન્ટ, ૧૫ લાખ લીટર પાણીની ટાંકી, પાઇપલાઇન, પંપ રૂમ, વરસાદી પાણીના નિકાલની ગટર (રૂ. ૧૧.૭૯ કરોડ) - ખાતમુહુર્ત
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ: ભિલોડા ખાતે ૧૨૫ પથારીની નવીન પેટા જિલ્લા હોસ્પિટલ (રૂ. ૪૩.૦૪ કરોડ) - લોકાર્પણ. મેઢાસણ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સાઠંબા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (રૂ. ૬.૮૦ કરોડ) - ખાતમુહુર્ત. મુનાઈ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા શિનોલ, પરસોડા, કુડોલ ખાતે પેટા આરોગ્ય કેન્દ્ર (રૂ. ૨.૧૭ કરોડ) - લોકાર્પણ.
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (સમરસ છાત્રાલય સોસાયટી): સમરસ કુમાર અને કન્યા છાત્રાલય, મોડાસા (રૂ. ૩૩ કરોડ) - લોકાર્પણ. ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, મોડાસા (નવા બાંધકામ, રૂ. ૯.૭૧ કરોડ) - ખાતમુહુર્ત.
- પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના: સાયન્સ લેબ, શાળાના ઓરડા, ક્રીડાંગણના સાધનો, પુસ્તકાલય વગેરે (કુલ રૂ. ૨.૫૬ કરોડ) - લોકાર્પણ.
- ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ: ઇસરી (રેલ્લાવાડા) ખાતે પોલીસ આવાસો કક્ષા B-16 (રૂ. ૫.૫૨ કરોડ) - ખાતમુહુર્ત.
આમ, કુલ મળીને રૂ. ૨૮૨.૭૮ કરોડના આ વિકાસ કાર્યો અરવલ્લી જિલ્લાના નાગરિકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.





















