દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસો વધતા સરકારે શું કર્યુ, જાણો વિગતે
નોંધનીય છે કે સમગ્ર દેશ અને ગુજરાતમાં પણ વેકસીનેશન અભિયાન ને ઝડપી બનવવા અને 100 ટકા વેકસીનેશન સુધી પહોંચવા જેવા મુદ્દાઓની કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વની ચર્ચા કરી હતી.
અમદાવાદઃ કોરોનાએ ફરી એકવાર માથુ ઉંચક્યુ છે, રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ અચાનક કોરોનાના કેસો વધતા રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે, રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. અચાનક વધી ગયેલા કોરોનાના સરકાર રસીકરણની વાત કરવા લાગી છે.
ગુજરાતમાં કોરોનાના કેસો અને વેક્સિનેશન અભિયાનની કામગીરીને લઇને સરકાર દોડતી થઇ છે, આજે આ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનર સાથે વીડિયો કૉન્ફરન્સ કરી હતી, આમાં ગુજરાતના આરોગ્ય તંત્રએ રસીકરણ અભિયાન અંતર્ગત કરેલી કામગીરી વિશે સમીક્ષા કરવામાં આવી હતી. ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માડવીયાની અધ્યક્ષતામાં કોરોના વેક્સિનેશન અભિયાન અંતર્ગત વીડિયો કૉન્ફરન્સ યોજાઈ હતી, જેમાં દેશના તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ આ વીડિયો કૉન્ફ્રરન્સથી જોડાયા હતાં.
નોંધનીય છે કે સમગ્ર દેશ અને ગુજરાતમાં પણ વેકસીનેશન અભિયાન ને ઝડપી બનવવા અને 100 ટકા વેકસીનેશન સુધી પહોંચવા જેવા મુદ્દાઓની કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વની ચર્ચા કરી હતી.
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. 10 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 36 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,521 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી ગઈકાલે એક પણ મોત થયું નથી. ગઈકાલે 4,09,727 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ઋષિકેશ પટેલે આગળ કહ્યું કે, પાછલા થોડો સમય લોકો તહેવારમાં બહાર ગયા હતા. ત્યારે જ્યાંથી કેસ મળ્યા છે અને જ્યાંથી ટ્રાન્સફર થઈને આવ્યા છે તેને ટ્રેસિંગ કરવામાં આવી રહ્યા છે. આશા રાખીએ કે કેસો વધુ ન આવે. જોકે કેસ વધશે નહીં તેની આગાહી કરી ન શકાય. બિન ચેપી રોગોના કારણે મૃત્યુ નું પ્રમાણ વધુ હોય છે. જેને લઈને રાજ્ય સરકાર નિરામય યોજના શરૂ કરવા જઈ રહી છે. શુક્રવારે નિરામય યોજના તરીકે ઉજવણી કરવામાં આવશે. જ્યાં તપાસ અને ચકાસણીની કામગીરી કરવામાં આવશે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 16, સુરત કોર્પોરેશનમાં 5, વલસાડમાં પાંચ, વડોદરા કોર્પોરેશનમાં ચાર, જૂનાગઢમાં બે, મોરબીમાં બે, રાજકોટ કોર્પોરેશનમાં બે, આણંદમાં એક, ભરૂચમાં એક, ગીર સોમનાથમાં એક, જામગર કોર્પોરેશનમાં એક, કચ્છમાં એક, અને તાપીમાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 215 કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 207 નાગરિકો સ્ટેબલ છે. 8,16,521 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 8 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1316 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 8621 નાગરિકોને રસીનો પ્રથમ અને 96,528 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26,975 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,76,279 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,09,727 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,28,73,785 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.