કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે! ગુજરાતમાં નવા ૧૮૫ કેસ, સાબરકાંઠા સુરતમાં સંક્રમણ વધ્યું
Gujarat Covid update today: દેશભરમાં એક્ટિવ કેસ ૬૧૩૩ને પાર, ગુજરાતમાં સાબરકાંઠા અને સુરતમાં વધારો નોંધાયો; તબીબો પણ સંક્રમિત થયા.

Covid-19 latest news Gujarat: દેશભરમાં કોરોનાના કેસોમાં ફરીથી આંશિક વધારો જોવા મળી રહ્યો છે. ૮ જૂન, ૨૦૨૫ સુધીમાં દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ૬૧૩૩ને પાર પહોંચી ગઈ છે, ત્યારે ગુજરાતમાં પણ આજે રવિવારે કોરોનાના ૧૮૫ નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ ૯૮૦ એક્ટિવ કેસ નોંધાયા છે. જોકે, રાહતની વાત એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાથી એકપણ મૃત્યુ થયું નથી.
ગુજરાતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૧૮૫ નવા કેસ બાદ કુલ ૯૮૦ એક્ટિવ કેસ પૈકી ૩૨ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે ૯૪૮ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આ ઉપરાંત, ૨૭ દર્દીઓ કોરોનામુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
દેશભરમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અંદાજિત છેલ્લા ૧૫ દિવસમાં જ ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ ૩૦ ગણા વધી ગયા છે. ૨૨ મેના રોજ કુલ એક્ટિવ કેસ ૨૫૭ હતા, જે ૮ જૂન સુધીમાં વધીને ૬૧૩૩ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં થયેલા મૃત્યુની વાત કરીએ તો, કેરળમાં ત્રણ, કર્ણાટકમાં બે અને તમિલનાડુમાં એક દર્દીનું મોત થયું છે.
સાબરકાંઠા અને સુરતમાં આજે કોરોના કેસ
સાબરકાંઠા: હિંમતનગરમાં આજે કોરોના પોઝિટિવના ત્રણ કેસ નોંધાયા છે, જેને લઈને છેલ્લા ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સાત થઈ છે. નોંધનીય છે કે, હિંમતનગર સિવિલમાં ફરજ બજાવતા ૨૨ વર્ષીય ઇન્ટર્ન તબીબ, ૨૬ વર્ષીય રેડિયોલોજી રેસિડેન્ટ મહિલા ડોક્ટર અને ૩૬ વર્ષીય મેડિકલ ઓફિસર કોરોના પોઝિટિવ જણાયા છે. કુલ પાંચ સેમ્પલમાંથી ત્રણ પોઝિટિવ આવ્યા હતા. તમામ ત્રણેય દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલા સાત કેસ પૈકી પાંચ તબીબો કોરોના પોઝિટિવ જણાયા છે.
સુરત: સુરતમાં પણ કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા છે. જેમાં અડાજણના બેંક ઓફ બરોડા (BOB)ના કર્મી, પાર્લેપોઇન્ટની મહિલા ફેશન ડિઝાઇનર અને રૂસ્તમપુરાના યુવાન સોફ્ટવેર એન્જિનિયર કોરોના પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધી શહેરમાં ૫૬ કોરોના કેસ નોંધાયા છે. કોવિડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી સાવચેતી રાખવી અનિવાર્ય છે.
વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા, માસ્ક પહેરવા અને ભીડવાળી જગ્યાઓ ટાળવા અપીલ કરવામાં આવી છે.




















