Gujarat: ગુજરાતમાં કાયદાનું નહી ગુંડાઓનું ‘રાજ’, અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર
Gujarat Crime News: છેલ્લા કેટલાય દિવસોમાં રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. આ ઘટનાઓ પરથી લાગી રહ્યું છે કે જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઇ ડર રહ્યો નથી
Gujarat Crime News: છેલ્લા કેટલાય દિવસોમાં રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. આ ઘટનાઓ પરથી લાગી રહ્યું છે કે જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઇ ડર રહ્યો નથી. અસામાજિક તત્વો રસ્તા પર ઉતરીને ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. તો રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. કોઇ જગ્યાએ ગુંડા તત્વો જાહેરમાં તલવારો લહેરાવીને લોકોમાં ડરનો માહોલ પેદા કરી રહ્યા છે તો કોઇ સ્થળે આવા અસામાજિક તત્વો લોકો સાથે ખુલ્લેઆમ મારપીટ કરી રહ્યા છે. કોઇ જગ્યાએ જાહેરમાં તલવારની કેક કાપીને લોકોમાં ડર પેદા કરી રહ્યા છે. જાણે એવું લાગે છે કે અસામાજિક તત્વોમાં ગુજરાત પોલીસનો ખૌફ રહ્યો નથી. ગુજરાતની પોલીસ હવે ‘સિંઘમ’ રહી નથી. ગુજરાત એક સમયે પોતાની કાયદો વ્યવસ્થા માટે જાણીતું હતું પરંતુ એવું કાંઇ રહ્યું નથી. ગુજરાતમાં પણ હવે યુપી અને બિહારની જેમ મારપીટ અને લૂંટફાટની ઘટનાઓ સામાન્ય બનતી જઇ રહી છે. તાજેતરમાં જ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વોએ હાથમાં તલવારો લઇને આખી સોસાયટીને બાનમાં લીધી હતી.
શહેરના ચાણક્યપુરીમાં આવેલી શિવમ આર્કેડ સોસાયટીમાં ગુંડાતત્વોએ રવિવારે આતંક મચાવ્યો હતો. તલવારો, લાકડીઓ લઇને પહોંચેલા ગુંડાતત્વોએ નાગરિકોને ડરાવ્યા હતા. દારૂની પાર્ટી રોકવાના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ચાર લોકો સહિત 15 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી. રવિ ઠાકોર,પરાગ ઠાકોર,મોન્ટુ ઠાકોર અને અર્જુન ઠાકોર સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઇ હતી. તલવારો લઇને પહોંચેલા આ શખ્સોએ સોસાયટીના કાચ ફોડ્યા હતા. શિવમ આર્કેડ સોસાયટીમાં એક ફલેટમાં ભાડેથી રહેતા વ્યક્તિઓને લઇને સોસાયટીના મેનેજમેન્ટે વાંધો ઉઠાવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી અને ફ્લેટમાંથી દારૂની બોટલો સહિતની સામગ્રી જપ્ત કરી હતી.
સ્થાનિકોનો આરોપ છે કે થોડા દિવસ પહેલા ભાડે રાખેલા ફ્લેટમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા હતા જેને લઇને સ્થાનિકોએ દરોડા પાડ્યા હતા. જેમાં બે વ્યકિત ઝડપાઈ ગયા હતાં. જ્યારે ત્રણ વ્યકિત ભાગી છૂટ્યા હતાં. જોકે બાદમાં ભાગી છૂટેલા ત્રણ શખ્સના 15થી 20 જેટલા સાગરિતો હાથમાં તલવાર અને ધોકા લઈ ધસી આવ્યા હતાં. અહીં અડધો કલાક સુધી તોડફોડ કરી હતી. આટલું જ નહીં હાથમાં તલવાર સાથે સોસાયટીના રહીશોને બાનમાં લીધા હતાં. અહીં સવાલ એ છે કે કેમ અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી.
કૃષ્ણનગરમાં બુટલેગરોને નથી પોલીસનો ડર
અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બુટલેગર અને તેના સાગરીતોએ પોલીસ વાનની હાજરીમાં કારમાં તોડફોડ કરી હતી. વીડિયો વાયરલ થયો હતો જેમાં જોઇ શકાય છે કે કૃષ્ણનગરમાં બુટલેગરો વાહનોમાં તોડફોડ કરી રહ્યા છે. દરમિયાન કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની પીસીઆર વાન પેટ્રોલિંગમાં ત્યાંથી પસાર થઈ રહી હતી. બુટલગરોને તોડફોડ કરતા જોવા છતાં પોલીસની વાન ત્યાં ઉભી રહી નહોતી અને આગળ ચાલી ગઇ હતી. ત્યારબાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની પીસીઆર વાન પેટ્રોલિંગમાં રહેલા એએસઆઇ ડાહ્યાભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.
પાટણ યુનિવર્સિટીમાં તીક્ષ્ણ હથિયારો લઇને એકબીજા પર તૂટી પડ્યા વિદ્યાર્થીઓ
થોડા દિવસ અગાઉ પણ પાટણ યુનિવર્સિટીમાં કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. શિક્ષણના ધામમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. પાટણ યુનિવર્સિટી જાણે યુદ્ધનું મેદાન હોય તેમ કેટલાક વિદ્યાર્થીઓએ અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારો લઇને એકબીજા પર તૂટી પડ્યા હતા. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનામાં ઉર્વીન જોશી નામના વિદ્યાર્થીના હાથમા તીક્ષણ હથિયારના ઘા વાગતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયો હતો.
સગીર નબીરાએ રસ્તા પર છરી વડે કેક કાપી
રાજકોટમાં પણ ક્રાઇમની ઘટનાઓમાં વધારો થયો છે. તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં સગીર નબીરાએ રસ્તા વચ્ચે છરી વડે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. એટલું જ લોકોનો જીવ જોખમમાં મુકાય એ રીતે જાહેર રસ્તા પર ફટાકડા પણ ફોડ્યા હતા. આ ઘટના પરથી લાગે છે કે સગીરોને પણ પોલીસનો ડર રહ્યો નથી. સોશિયલ મીડિયામાં વધુ લાઈક મેળવવાના ચક્કરમાં નબીરાઓ લોકોનો જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે.
રાજકોટની અન્ય એક ઘટનામાં શ્રદ્ધાપાર્કમાં કેસ પાછો ખેંચી લેવા દબાણ કરી મામા-ભાણેજને ધમકી આપી વાહનમાં તોડફોડ કરાઇ હતી. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. સુરજ કાળુભાઈ મોરી નામના યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા તેના મામા પપ્પુભાઈ ભાલીયા પર બાબરીયા કોલોનીમાં રહેતા નામચીન ભાઈઓ જીગ્નેશ ઉર્ફે બાવકો, દિનેશ ઉર્ફે બચુ અને રણજીત ઉર્ફે કાનો વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આરોપીઓએ ફરિયાદી સુરજ અને તેના મામાને સમાધાન કરવાનું કહ્યું પરંતુ તેઓએ ના પાડતા તેમને ધમકી આપી હતી.
અન્ય એક ઘટનામાં જિલ્લાની નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટની પાસે આવેલી કેન્ટીનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ગણેશ વિસર્જનના દિવસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા હોસ્પિટલના મુખ્ય ગેટના કેન્ટીન પાસે આવી માલિક જોડે કોઈ વાતે બોલાચાલી કરી હતી. અસામાજિક તત્વો દ્વારા કેન્ટીનમાં તોડફોડ પણ કરી હતી. જોકે પોલીસના આવવાની જાણ થતા અસામાજિક તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આચાર્યએ છ વર્ષની માસૂમને બનાવી હવસનો શિકાર
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની ધોરણ-1માં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ તેની હત્યા કોઇ અન્યએ જ નહી પરંતુ સ્કૂલના જ 56 વર્ષના આચાર્ય ગોવિંદ નટે કરી હતી. સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર આ કેસમાં આચાર્યએ માસૂમ વિદ્યાર્થિનીની છેડતી કરવામાં નિષ્ફળતા મળતાં કારમાં જ ગળું દબાવીને ઠંડે કલેજે હત્યા કરી હતી. બાદમાં વિદ્યાર્થિનીની લાશને પોતાની શાળામાં જ મૂકી દીધી હતી. શાળામાંથી વિદ્યાર્થિનીની લાશ મળતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. જો કે પોલીસે શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછમાં આચાર્યના જઘન્ય કૃત્યનો પર્દાફાશ થતા હત્યારા આચાર્યને પોલીસે દબોચી લીધો હતો. લોકોએ રેલી કાઢી આરોપી આચાર્યને ફાંસી આપવાની માંગ કરી હતી.