રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ₹૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી કરશે, ઓનલાઈન નોંધણી શરૂ
ઘઉંનો ટેકાનો ભાવ ₹૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ, બનાસકાંઠાના ખેડૂતો VCE મારફતે નોંધણી કરાવી શકશે.
Gujarat wheat MSP: રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬માં ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે લઘુત્તમ ટેકાના ભાવે (Minimum Support Price) ઘઉંની સીધી ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. દ્વારા પ્રતિ ક્વિન્ટલ ₹૨,૪૨૫ના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે.
લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ VCE (Village Computer Entrepreneur) મારફતે તા. ૦૧/૦૧/૨૦૨૫થી શરૂ થઈ ગઈ છે. તમામ ખેડૂતોને નોંધણી કરાવવા અપીલ કરવામાં આવે છે.
નોંધણી માટે જરૂરી પુરાવા
નોંધણી કરાવવા માટે ખેડૂતોએ નીચેના પુરાવા સાથે લાવવાના રહેશે:
આધાર કાર્ડની નકલ
અદ્યતન ગામ નમૂનો ૭, ૧૨/૮અ
જો પાક વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨/૮અ માં ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો ૧૨ ગામ નમૂના-અની નકલ અથવા તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો
ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત (બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ)
રાજ્યના જે ખેડૂતો તેમનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચવા ઈચ્છુક હોય તેઓની ઓનલાઈન નોંધણી ફરજિયાત છે. આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરાયો છે.
ખરીદી પ્રક્રિયા
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે.
ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે.
ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે.
મહત્વપૂર્ણ સૂચના
નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સ સ્પષ્ટ રીતે અપલોડ થાય અને માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલાં ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ કરવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેશો.
હેલ્પલાઇન નંબર
નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ પણ વાંચો....