વિધાનસભામાં ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક પસાર, લાખો ગેરકાયદે બાંધકામોને મળશે કાયદેસરતા
બિનખેતી પરવાનગી વિનાના બાંધકામોને નિયમિત કરી નાગરિકોને માલિકી હક્ક આપવાનો સરકારનો નિર્ણય, અર્થઘટનની ગૂંચો પણ ઘટશે.

Gujarat Land Revenue Bill: ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, ૨૦૨૫ બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ સુધારાથી રાજ્યમાં બિનખેતી કરાવ્યા વિનાની જમીન પર મંજૂરી વિના કરવામાં આવેલા બાંધકામ અને મિલકતોને કાયદેસરના હક્કો મળશે, જેનાથી લાખો નાગરિકોને વિશેષ આર્થિક લાભ થશે.
વિધાનસભા ગૃહમાં આ વિધેયક રજૂ કરતાં મહેસૂલ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોમાં ઘણા નાગરિકો સરકારના વિવિધ કાયદાઓ હેઠળ શરતભંગ થતો હોવા છતાં ચોક્કસ રકમ ચૂકવીને મકાનો કે સોસાયટીઓમાં વસવાટ કરી રહ્યા છે. આવાં બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરીને તેમને કાયદેસરતા આપવાના ઉમદા હેતુથી આ સુધારો લાવવામાં આવ્યો છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો આશય નાગરિકોને રહેણાંકની પાયાની જરૂરિયાતના કાયદેસરના હક્ક પ્રાપ્ત થાય અને તેમના સર્વાંગી હિતો સુનિશ્ચિત કરવાનો છે. આ સુધારા દાખલ થવાથી કાયદા સંબંધિત અર્થઘટનના પ્રશ્નો, લિટિગેશન અને વહીવટી ગૂંચવણો પણ ઘટશે.
તેમણે ભૂતકાળમાં થયેલા શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ઘણા નાગરિકો કાયદાની અજ્ઞાનતાના કારણે જરૂરી મંજૂરી લીધા વિના રહેણાંકનાં બાંધકામો કરી ચૂક્યા છે અને હવે તેઓ યોગ્ય અવેજ ચૂકવીને તેમાં રહે છે. આવા મકાનોમાં રહેતા નાગરિકોના રહેઠાણને કાયદેસરતા આપવી ખૂબ જ જરૂરી હતી.
મંત્રીએ વર્ષ ૨૦૧૭માં લાવવામાં આવેલા સુધારા કાયદાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનાથી ફેરફારના રજિસ્ટર અને હક્કપત્રકને તેની વર્તમાન સ્થિતિમાં લાવવા માટે પૂરક સેટલમેન્ટ દાખલ કરવામાં આવ્યા હતા. આ નવા સુધારાથી ગણોત ધારાની કલમ-૪૩, અન્ય કૃષિ જમીન અધિનિયમોની કલમ-૫૭ અને જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ અને કલમ-૬૮ હેઠળની જમીનો પર સરકારની પૂર્વમંજૂરી વિના થયેલા ગેરકાયદે બાંધકામોને પણ મહેસૂલી રેકર્ડ પર લાવવામાં આવશે અને આવા મિલકતોના હિતધારકોને તેમની લાંબા સમયગાળાની (૨૦૦૫ પહેલાંની) મિલકતોના હક્કો આપી શકાશે.
મંત્રી રાજપૂતે સ્પષ્ટતા કરી હતી કે આ બિલનો લાભ સરકારી જમીન પર કે સ્થાનિક સત્તા મંડળની જમીન પર ગેરકાયદે બાંધકામ કરનારા લોકોને મળવાપાત્ર નથી. આ સુધારો એવા લોકો માટે છે જેમણે પોતાની જમીન પર બાંધકામ કર્યું છે, પરંતુ જરૂરી પરવાનગીઓ લેવાનું ચૂકી ગયા છે અથવા કાયદાની જાણકારીના અભાવે શરતભંગ થયો છે.
તેમણે જણાવ્યું હતું કે આ સુધારાથી ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ હેઠળની સોસાયટીઓને, જ્યાં ગણોતધારાની કલમ ૮૪ (ગ) અથવા કલમ-૧૨૨ હેઠળની કાર્યવાહી ચાલુ હોય, તેમને પણ નિયત માંડવાળ ફી અને પ્રીમિયમ ભરીને પરિવર્તનીય વિસ્તાર જાહેર કરી શકાશે, જેનાથી લોકો પોતાની મિલકતને જમીન મહેસૂલ રેકર્ડ પર લાવી શકશે અને બેંકો પાસેથી સરળતાથી લોન મેળવી શકશે. આ ઉપરાંત, બિનખેતીની પરવાનગી અને પ્લાન પાસ કરાવ્યા વિના ગેરકાયદે ઠરાવવામાં આવેલી મિલકતોને પણ આ સુધારાથી રક્ષણ મળશે અને માલિકોને સલામત અહેસાસ થશે.

