સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમ, પબુભા માણેકે કહ્યું – હવે આમના દિવસો....
સુરતમાં આહિર સમાજનો વિરોધ, સાંસદ અને ધારાસભ્યએ વ્યક્ત કર્યો આક્રોશ, મોગલધામના મહંતે માફીની માંગ કરી.

Swaminarayan controversy: સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આ નિવેદનથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને સુરતમાં આહિર સમાજે આ મુદ્દે સખત વિરોધ નોંધાવ્યો છે.
સુરતના પુના વિસ્તારમાં આહિર સમાજના લોકોએ સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરણ સ્વામી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પુના વિસ્તારની સંસ્કારધામ સોસાયટીના રહીશોએ પણ આ બાબતે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. લોકોનું માનવું છે કે સ્વામી દ્વારા દ્વારકાધીશ વિશે કરવામાં આવેલી ટિપ્પણી અપમાનજનક છે અને તેનાથી તેમની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.
આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા સાંસદ પરિમલભાઈ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ જે નિવેદન આપ્યું છે તે દુઃખદ છે અને તેમને લાગે છે કે આવા લોકોને દ્વારકાધીશમાં વિશ્વાસ નથી. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રકારની ટિપ્પણીઓથી લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે.
તો બીજી તરફ, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે પણ આ મુદ્દે સખત વલણ અપનાવ્યું છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આવા સ્વામીઓના દિવસો હવે પૂરા થવા લાગ્યા છે. તેમણે આ સંસ્થામાં વધેલા પૈસાને કારણે અભિમાન આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. પબુભા માણેકે ત્યાં સુધી કહ્યું કે આ લોકોને સનાતન ધર્મ વિશે કોઈ જાણકારી નથી અને તેઓ દ્વારકાધીશ વિશે અનાપશનાપ બકવાસ કરી રહ્યા છે.
દ્વારકાધીશ વિશે વિવાદિત નિવેદન આપનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પર મોગલધામ કબરાઉના મહંત પણ રોષે ભરાયા છે. તેમણે આ બફાટ કરનાર સ્વામીને તાત્કાલિક શંકરાચાર્ય પાસે માફી માંગવાની માંગ કરી છે. મહંતે કહ્યું કે આવા નિવેદનોથી ધાર્મિક સૌહાર્દ બગડે છે અને તેને સાંખી લેવામાં નહીં આવે.
નોંધનીય છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીઓનાં વિવાદાસ્પદ નિવેદનોની હારમાળામાં વધુ એક વિવાદ ઉમેરાયો છે. સુરતમાં વેડ રોડ પર આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના નીલકંઠચરણ સ્વામીએ ભગવાન દ્વારકાધીશ અંગે કરેલું નિવેદન વિવાદમાં આવ્યું છે. તેમના નિવેદનથી દ્વારકાધીશના ભક્તોમાં રોષ ફેલાયો છે. નીલકંઠચરણ સ્વામીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ સત્સંગ દરમિયાન કહે છે, "મહારાજ કહે છે, અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઇચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે."





















